Yuvraj Singh : ક્રિકેટના મેદાનમાં જ્યારે પણ ભારત અને ઈંગ્લેન્ડના મુકાબલાની વાત આવે, ત્યારે 2007 ના T20 વર્લ્ડ કપની એ ઓવર દરેકના મનમાં તાજી થઈ જાય છે. યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડના 6 બોલમાં 6 છગ્ગા ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે, મેચ પૂરી થયા પછી સ્ટુઅર્ટ બ્રોડના પિતા જે પોતે મેચ રેફરી હતા, તેમણે યુવરાજ પાસે જઈને શું કહ્યું હતું? હાલના ઈન્ટરવ્યુમાં યુવીએ આ આખી ઘટના પરથી પડદો ઉઠાવ્યો છે.
ક્રિસ બ્રોડે કહ્યું, તેં કારકિર્દી બરબાદ કરી
યુવરાજ સિંહે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, મેચમાં જ્યારે તેને સ્ટુઅર્ટ બ્રોડને નિશાન બનાવ્યો, ત્યારે સ્ટુઅર્ટ બ્રોડના પિતા ક્રિસ બ્રોડ ત્યાં મેચ રેફરી તરીકે હાજર હતા. મેચ પૂરી થયા પછી ક્રિસ બ્રોડ યુવરાજ સિંહ પાસે આવ્યા અને મજાકમાં પણ ગંભીરતા સાથે કહ્યું, "તેં મારા દીકરાની કારકિર્દી આજે પૂરી કરી નાખી છે." આ સાંભળીને યુવરાજ સિંહ પણ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયો હતો.
જર્સી પરનો ભાવુક સંદેશ
ક્રિસ બ્રોડે યુવરાજ સિંહને વિનંતી કરી કે, તે સ્ટુઅર્ટ બ્રોડ માટે પોતાની એક જર્સી પર ઓટોગ્રાફ કરી આપે. યુવરાજ સિંહે ખેલદિલી બતાવતા જર્સી પર લખ્યું, "મને પણ એકવાર પાંચ છગ્ગા વાગ્યા હતા, એટલે મને ખબર છે કે, કેવું લાગે છે. મને આશા છે કે, તું ભવિષ્યમાં એક મહાન બોલર બનીશ." યુવરાજ સિંહે પોતે પણ એક સમયે બોલિંગમાં છગ્ગા ખાઈ ચૂક્યો હોવાથી તે સ્ટુઅર્ટ બ્રોડની પીડા સમજી શકતો હતો.
યુવીની સિગ્નેચર વાળી જર્સી ગઈ કચરાપેટીમાં!
યુવરાજ સિંહે આ ઇન્ટરવ્યુમાં એક હસવા જેવો ખુલાસો પણ કર્યો. યુવરાજ સિંહે કહ્યું કે, જ્યારે પિતા ક્રિસ બ્રોડે તે ઓટોગ્રાફ વાળી જર્સી સ્ટુઅર્ટને આપી, ત્યારે તે સમયે સ્ટુઅર્ટ બ્રોડ એટલો ગુસ્સામાં અને નિરાશ હતો કે, તેને તે જર્સી સીધી કચરાપેટીમાં ફેંકી દીધી હતી. જોકે, સમય જતાં બંને ખેલાડીઓ વચ્ચે સારા સંબંધો બંધાયા અને સ્ટુઅર્ટ બ્રોડ ખરેખર વિશ્વનો સફળ બોલર બન્યો.





