Victory celebration : ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ટીમના નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગસ એટકિંસનને એક નાઇટક્લબ વિવાદના કારણે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને ટીમના સિનિયર બેટ્સમેન જો રૂટને વચગાળાનો કેપ્ટન જાહેર કર્યો છે.
નાઇટક્લબ વિવાદની શરૂઆત
લોર્ડ્સ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 115 રનથી મળેલી જીત બાદ ઈંગ્લેન્ડની ટીમના કેટલાક ખેલાડીઓ જશ્ન મનાવવા લંડનની એક નાઇટક્લબમાં ગયા હતા. આ દરમિયાન ખેલાડીઓએ 'મિડનાઇટ કર્ફ્યૂ' એટલે કે રાત્રિના સમયના નિયમોનો ભંગ કર્યો હતો. લંડનની આ નાઇટક્લબની બહાર ગસ એટકિંસન અને બેન સ્ટોક્સનો રગ્બી ખેલાડી ટોટોઆ ઓવા સાથે જોરદાર વિવાદ થયો હતો. મીડિયા અહેવાલો અનુસાર, રગ્બી પ્લેયરે ગસ એટકિંસનને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો, જે ચૂકી જતાં ટીમના સિક્યોરિટી ગાર્ડને વાગ્યો હતો અને તેને ટાંકા લેવા પડ્યા હતા.
વૈભવ સૂર્યવંશી કે સચિન તેંડુલકર?: કોણે બનાવ્યા ભારત A ના ડેબ્યૂમાં સૌથી વધુ રન? આંકડા જોઈ ચોંકી જશો!
વાયરલ વીડિયો અને સ્ટોક્સની મુશ્કેલી
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નશામાં ધૂત બેન સ્ટોક્સ રગ્બી પ્લેયર અને તેના સાથી પર 45 સેકન્ડમાં ડઝનબંધ મુક્કા મારતો જોવા મળી રહ્યો છે. સ્ટોક્સે એટલી ખરાબ રીતે હુમલો કર્યો કે સામેવાળા વ્યક્તિને નોકઆઉટ કરીને જમીન પર પાડી દીધો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ક્રિકેટ બોર્ડ હરકતમાં આવ્યું છે અને એવી પણ અટકળો ચાલી રહી છે કે સ્ટોક્સની કેપ્ટનશીપ કાયમ માટે જઈ શકે છે અથવા તે આ આઘાતમાં નિવૃત્તિની જાહેરાત પણ કરી શકે છે.
જો રૂટને ફરી મળી કમાન
બેન સ્ટોક્સ અચાનક બહાર થતાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બીજી ટેસ્ટ મેચ માટે જો રૂટને વચગાળાનો કેપ્ટન બનાવ્યો છે. વર્ષ 2022માં કેપ્ટનશીપ છોડ્યા બાદ જો રૂટ ફરી એકવાર ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરશે. નોંધનીય છે કે હેરી બ્રૂક ટીમનો વાઇસ કેપ્ટન હોવા છતાં તેને કમાન સોંપવામાં આવી નથી. જો રૂટે 2017 થી 2022 વચ્ચે રેકોર્ડ 64 ટેસ્ટ મેચોમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશીપ કરી છે અને તે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
ECBની કડક તપાસ અને ટીમમાં ફેરફાર
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ સમગ્ર મામલાની તપાસ 'ક્રિકેટ રેગ્યુલેટર'ને સોંપી દીધી છે અને ઘટના સંબંધિત વધારાની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ વિવાદ બાદ જાહેર કરાયેલી બીજી ટેસ્ટની ટીમમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને જોર્ડન કોક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 જૂનથી શરૂ થવા જઈ રહી છે.
ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ઝટકો!: વિરાટ બાદ હાર્દિક પંડ્યા પણ ODI શ્રેણીમાંથી બહાર, જાણો માત્ર ત્રણ દિવસ પહેલા એવું શું થયું
પૂર્વ ખેલાડી સ્ટીવ હાર્મિસનનો બચાવ
આ ભયંકર વિવાદ વચ્ચે ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટીવ હાર્મિસને બેન સ્ટોક્સનો બચાવ કર્યો છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી તમામ હકીકતો સામે ન આવે ત્યાં સુધી કોઈ ઉતાવળિયો નિર્ણય પર ન પહોંચવું જોઈએ. સ્ટોક્સ એક પ્રામાણિક અને શાનદાર ખેલાડી છે અને તે પોતે જાણતો હશે કે તેણે મર્યાદા ઓળંગી છે કે નહીં. હાર્મિસને ઉમેર્યું કે તે સ્ટોક્સને 15 વર્ષની ઉંમરથી જાણે છે અને તે આ પરિસ્થિતિમાં તેની સાથે ઉભો છે.
બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની સંપૂર્ણ ટીમ
જો રૂટ (કેપ્ટન), રેહાન અહમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, શોએબ બશીર, જેકબ બેથલ, હેરી બ્રૂક, જોર્ડન કોક્સ, બેન ડકેટ, મેથ્યૂ ફિશર, એમિલિયો ગે, જેમ્સ રેવ, ઓલી રોબિન્સન, જેમી સ્મિથ, જોશ ટંગ.





