Black market for cricket match tickets : IPL 2026 ની શરૂઆત 28 માર્ચ, શનિવારના રોજ RCB vs SRH ની મેચ થશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી ઘણા સમય પછી ફરીથી મેદાનમાં જોવા મળશે, જેના કારણે આ મેચની ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ થયાના થોડા જ સમયમાં બધી ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. જેના કારણે આ ટિકિટોની કાળાબજારી કરનારની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસે પૂર્વ ક્રિકેટર અને કોચની કરી ધરપકડ
નોંધનીય છે કે, આ સંપૂર્ણ મામલો IPL સાથે સંબંધિત નથી, પરંતુ T20 વર્લ્ડ કપ સાથે સંબંધિત છે. મુંબઈ પોલીસે ટિકિટ બ્લેક માર્કેટિંગ કેસમાં મોટી સફળતા મેળવી છે. આ વર્ષે T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં યોજાયો હતો, જેમાં ભારત વિજેતા બન્યું હતું. આ ટુર્નામેન્ટના બીજા સેમીફાઇનલમાં ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે જબરદસ્ત મેચ મુંબઈમાં રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 5 માર્ચે રમાયેલી મેચ માટે ટિકિટના કાળાબજારીના કૌભાંડનો પર્દાફાશ કરતી વખતે પોલીસે એક કોચ અને એક પૂર્વ ક્રિકેટરની ધરપકડ કરી છે.
પૂર્વ ક્રિકેટરની ધરપકડ
રિપોર્ટ્સ મુજબ, પોલીસે 26 વર્ષીય બલવંત સિંહ સોઢાની ધરપકડ કરી છે, જે અગાઉ મુંબઈની અંડર-19 ટીમ માટે રમી ચૂક્યો છે. રિપોર્ટમાં પોલીસે કહ્યું છે કે, બલવંત સિંહે આ નેટવર્કમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમણે જ ટિકિટો ઉપલબ્ધ કરાવી હતી. પછીથી તે તેના સહયોગીઓને ઊંચા ભાવે ટિકિટ આપતો. રિપોર્ટ્સ અનુસાર, સેમીફાઇનલ મેચની ટિકિટ 25,000 થી 35,000 રૂપિયામાં વેચાઈ હતી. પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે, જેમાં કોલેજના એક રમતગમત શિક્ષક અને એક બિન-શિક્ષણ સ્ટાફ સભ્ય પણ સામેલ છે.
આ ટિકિટો કોને વેચવામાં આવી?
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, આ પાસ મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા લોકો અથવા મહેમાનોને આપવામાં આવ્યા હોઈ શકે છે, જે આરોપીઓએ મેળવીને વેચવાનું શરૂ કર્યું હતું. કેટલીક ટિકિટો સીધી લોકોને વેચવામાં આવી હતી અને કેટલીક ઓનલાઈન વેચાઈ હતી.





