logo-img
T20 World Cup Double Super Over For The First Time In The History Of The World Cup

T20 World Cup; વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત ડબલ સુપર ઓવર! : SA vs AFG ની મેચમાં ક્રિકેટ ફેન્સને મળ્યું 'ફુલ પૈસા વસૂલ' મનોરંજન!

T20 World Cup; વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત ડબલ સુપર ઓવર!
Published by: Offbeat Team
| Last Updated: Feb 11, 2026, 10:39 AM IST

T20 World Cup : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાનની મેચમાં ક્રિકેટ ચાહકોને 'ફુલ પૈસા વસૂલ' મનોરંજન જોવા મળ્યું. T20 વર્લ્ડ કપ ના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મેચનો નિર્ણય 'ડબલ સુપર ઓવર' દ્વારા લેવામાં આવ્યો હતો. સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી આ રોમાંચક મેચમાં અંતે સાઉથ આફ્રિકાનો વિજય થયો હતો. આ મેચ માત્ર રમત નહીં, પણ ધબકારા વધારી દેનારી એક જબરદસ્ત મેચ થઈ હતી.

મેચની મુખ્ય સ્થિતિ : રન સરખા થતાં ટાઈ થઈ

પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 187 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે પણ શાનદાર લડત આપી અને 20 ઓવરના અંતે 187 રન જ બનાવી શકી. છેલ્લી ઓવરના અંતિમ બોલ પર જીતવા માટે 2 રનની જરૂર હતી, પરંતુ ફઝલહક ફારૂકી રનઆઉટ થઈ જતાં મેચ ટાઈ થઈ અને સુપર ઓવરની જાહેરાત કરવામાં આવી.

પ્રથમ સુપર ઓવર : ફરી એકવાર બરાબરી

પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાને આફ્રિકાને 18 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સે છેલ્લા બોલ પર સિક્સ ફટકારીને સ્કોર 17-17 થી સરભર કર્યો હતો. પરિણામે, મેચ બીજી સુપર ઓવરમાં ગઈ, જે વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું.

બીજી સુપર ઓવર : સાઉથ આફ્રિકાનો વિજય

બીજી સુપર ઓવરમાં આફ્રિકાએ ધમાકેદાર બેટિંગ કરી 23 રન બનાવ્યા અને અફઘાનિસ્તાનને 24 રનનો લક્ષ્યાંક આપ્યો. અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝે સતત ત્રણ સિક્સ ફટકારીને આશા જગાવી હતી, પરંતુ કેશવ મહારાજે શાનદાર બોલિંગ કરીને 24 રન ડિફેન્ડ કર્યા અને બે વિકેટ ઝડપી પોતાની ટીમને જીત અપાવી હતી.

બેટિંગ પ્રદર્શન

સાઉથ આફ્રિકા માટે રાયન રિકલ્ટન (61) અને ક્વિન્ટન ડી કોક (59) એ શાનદાર હાફ-સેન્ચુરી ફટકારી હતી. બીજી તરફ, અફઘાનિસ્તાન માટે રહેમાનુલ્લાહ ગુરબાઝે માત્ર 42 બોલમાં 84 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 7 સિક્સ સામેલ હતી. જોકે, તેની આ મહેનત અફઘાનિસ્તાનને જીત આપવામાં નિષ્ફળ રહી.

રેકોર્ડ્સનો વરસાદ

આ મેચમાં ઘણા રેકોર્ડ્સ પણ તૂટ્યા. ક્વિન્ટન ડી કોક હવે T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ રન (737 રન) બનાવનાર ખેલાડી બની ગયો છે. તેને એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો છે. તો બીજી તરફ, અફઘાનિસ્તાનનો રાશિદ ખાન તેની 700 T20 વિકેટની સિદ્ધિની નજીક પહોંચી ગયો છે.

અમદાવાદની પિચ અને માહોલ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ હંમેશની જેમ બેટિંગ માટે અનુકૂળ રહી હતી. 191 રનના એવરેજ સ્કોર વાળા આ મેદાન પર બંને ટીમોએ 180 થી વધુ રન બનાવીને હાઈ-સ્કોરિંગ મેચનો આનંદ આપ્યો હતો. આ જીત સાથે સાઉથ આફ્રિકા માટે સુપર-8 ની રાહ આસાન બની ગઈ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now