Mitchell Marsh : ભારત અને શ્રીલંકામાં રમાઈ રહેલા 2026 T20 વર્લ્ડ કપની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાને એક પછી એક મોટા આંચકા લાગી રહ્યા છે. ટીમના કેપ્ટન મિશેલ માર્શ ઈજાના કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. આ સમાચાર ક્રિકેટ જગત માટે ચોંકાવનારા છે, કારણ કે, માર્શ ટીમની વ્યૂહરચનાનો મુખ્ય ભાગ હતો. જોકે, તેમની જગ્યાએ અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથની ટીમમાં કમબેક થયું છે, જે સ્ટીવ સ્મિથના ફેન્સ માટે સારા સમાચાર છે.
કેપ્ટન માર્શની ગંભીર ઈજા
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે, મિશેલ માર્શને 'ગ્રોઇન ઇન્જરી' થઈ છે. એટલું જ નહીં, મેડિકલ રિપોર્ટમાં ઇન્ટરનલ બ્લીડિંગ પણ જોવા મળી છે. આ ગંભીર ઈજાને કારણે તેમને લાંબા સમય સુધી આરામ અને રિહેબની જરૂર પડશે. 11 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં પણ તે મેદાનમાં ઉતરી શક્યા ન હતા અને હવે તેઓ સ્વદેશ પરત ફરશે.
સ્ટીવ સ્મિથનું 'સરપ્રાઈઝ' કમબેક
મિશેલ માર્શના સ્થાને ઓસ્ટ્રેલિયાએ અનુભવી ખેલાડી સ્ટીવ સ્મિથને સ્ટેન્ડ-બાય પ્લેયર તરીકે ટીમમાં સામેલ કર્યો છે. સ્મિથ ફેબ્રુઆરી 2024 પછી ઓસ્ટ્રેલિયા માટે એકપણ T20 મેચ રમ્યો નથી, પરંતુ હાલના બિગ બેશ લીગ (BBL) માં તેમણે ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. BBL 2025-26 સીઝનમાં સ્મિથે 59.80 ની શાનદાર એવરેજથી 299 રન બનાવ્યા છે, જેમાં એક શાનદાર સેન્ચુરી પણ સામેલ છે. તેમનું ફોર્મ જોતા લાગે છે કે, તેઓ ટીમની મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળવા તૈયાર છે.
ટ્રેવિસ હેડના હાથમાં ટીમની કમાન
મિશેલ માર્શની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં નેતૃત્વનું સંકટ ઊભું થયું હતું, પરંતુ આયર્લેન્ડ સામેની મેચમાં આક્રમક ઓપનર ટ્રેવિસ હેડે ટીમની કમાન સંભાળી છે. હેડ હાલમાં શાનદાર ફોર્મમાં છે અને ટીમની જીતની જવાબદારી હવે તેમના ખભા પર રહેશે.
ઓસ્ટ્રેલિયન ટીમને ડબલ ફટકો
તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા માટે આ ટુર્નામેન્ટ મુશ્કેલ બની રહી છે. મિશેલ માર્શ પહેલા સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સ પણ કમરની ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા હતા. એકસાથે બે દિગ્ગજ ખેલાડીઓ અને નિયમિત કેપ્ટન ગુમાવ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયન ટીમ કેવી રીતે વાપસી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.




















