T20 World Cup 2026 : ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે T20 વર્લ્ડ કપ 2026 નો પ્રારંભ 7 ફેબ્રુઆરી, શનિવારથી થવા જઈ રહ્યો છે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કુલ ત્રણ રોમાંચક મેચો રમાશે. દિવસની શરૂઆત શ્રીલંકાના કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચેની ટક્કરથી થશે. જોકે, આખા વિશ્વની નજર ભારત અને યુએસએ વચ્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી મેચ પર રહેશે.
ભવ્ય ઓપનિંગ સેરેમની
આ વખતે ઉદ્ઘાટન સમારોહ પ્રથમ મેચને બદલે ભારતની પ્રથમ મેચ (ભારત vs USA) પહેલા યોજવાની છે. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ આ ભવ્ય સમારોહનું સાક્ષી બનશે, જ્યાં ક્રિકેટના મેદાન પર બોલિવૂડનો તડકો જોવા મળશે. ICC ની જાહેરાતથી ફેન્સ અત્યારથી જ ઉત્સાહી થઈ ગયા છે.
કલાકારોનો જમાવડો
ઓપનિંગ સેરેમનીમાં મનોરંજન જગતના દિગ્ગજ કલાકારો પોતાના પર્ફોર્મન્સથી સ્ટેજ ગજવશે. જેમાં જાણીતા સિંગર બાદશાહ, ડાન્સ-ક્વીન નોરા ફતેહી, સિતાર વાદક ઋષભ રિખીરામ શર્મા અને પ્રખ્યાત ડ્રમર/પર્કશનિસ્ટ શિવમણીનો સમાવેશ થાય છે. આ કલાકારોના પર્ફોર્મન્સથી ટુર્નામેન્ટની શરૂઆત ખૂબ જ યાદગાર બની રહેશે.
લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?
ભારતમાં ક્રિકેટ ફેન્સ આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ અને મેચોનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports) પર જોઈ શકશે. આ ઉપરાંત, જો તમે મોબાઈલ કે લેપટોપ પર જોવા ઈચ્છો છો, તો JioHotstar પર તેનું લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.
ટુર્નામેન્ટનું માળખું
આ વખતે વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થઈને 8 માર્ચ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં કુલ 55 મેચો રમાશે. જેમાં 52 લીગ મેચો (સુપર 8 સહિત) અને 3 નોકઆઉટ મેચોનો સમાવેશ થાય છે. ભારત અત્યાર સુધી બે વાર T20 વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે, અને જો આ વખતે જીતશે તો તે ત્રણ વાર ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બનીને ઇતિહાસ રચશે.
ભારત-પાકિસ્તાન વિવાદ
ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન ભારત સામે રમવા બાબતે હજુ અનિશ્ચિતતા છે. આ પરિસ્થિતિમાં ICC શું નિર્ણય લે છે અને ટુર્નામેન્ટ કેવી રીતે આગળ વધે છે, તેના પર સમગ્ર વિશ્વના ક્રિકેટ જગતની નજર ટકેલી છે.




















