Kutch Samast Hindu Parivar : ભુજમાં દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર અને અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ગીતાજયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ હિન્દુ પરિવારોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે હિન્દુ પરિવારમાં ત્રણ સંતાનનો સંકલ્પ લેવો જોઈએ અને તેમના જ લગ્ન કરાવવા જોઈએ.
'ત્રણ સંતાનનો સંકલ્પ લેવો જોઈએ'
સ્વામી પ્રદીપ્તાનંદે કહ્યું 'એક પરિવારમાં ત્રણ સંતાન હોવા જોઈએ, કારણ કે જો માત્ર એક જ સંતાન હોય તો તે યુદ્ધ કરવા જશે કે કોઈની સેવા માટે જશે? કોઇ પણ પ્રકારની સેવા કરવી હોય તો ભાઈ-બહેન હોવા જ જોઈએ” તેમણે જણાવ્યુ કે, “લગ્ન થાય ત્યારે જ કપલે ત્રણ સંતાનનો સંકલ્પ લેવો જોઈએ'
'કૌટુંબિક વ્યવસ્થા હિન્દુ ધર્મના પાયાનું મહત્વ છે'
તેમણે કહ્યુ કે, 'હિન્દુ ધર્મમાં સંતાનોની સંખ્યા ઘટતી જઈ રહી છે, અને આવનારા સમયમાં મામા, માસી, ફઈ-ફુઆ જેવા કુટુંબિક સંબંધો પણ ઓછા થઈ જશે. કૌટુંબિક વ્યવસ્થા હિન્દુ ધર્મના પાયાનું મહત્વ છે'. સ્વામી પ્રદીપ્તાનંદે દેશ, સમાજ અને માતા-પિતાની સેવા માટે એક-એક સંતાન સમર્પિત કરવાનું આહ્વાન પણ કર્યું. મહોત્સવમાં હિન્દુ પરિવારોને કૌટુંબિક સંસ્કાર અને સંતાનની મહત્વતા સમજાવવા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સૌજન્યમાં પરિવાર સાથે જોડાયેલા સંતાનોના ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી.






