Home Gujarat Surendranagar Fake Amul Ghee Raid 235000 Seized

સુરેન્દ્રનગરમાં 'અમૂલ' ઘી ના નામે ચાલતું નેટવર્ક ઝડપાયું : ₹2.35 લાખનો માલ જપ્ત, જાણો સંપૂર્ણ વિગત

સુરેન્દ્રનગરમાં ઝડપાયેલું નકલી ઘી
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 19, 2026, 11:42 AM IST

સુરેન્દ્રનગર: ઝાલાવાડની ધરતી પરથી આરોગ્ય સાથે ચેડાં કરતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય વ્યાપારી મથક એવા મહેતા માર્કેટમાં જાણીતી બ્રાન્ડ 'અમૂલ'ના નામે નકલી ઘી વેચવાનું નેટવર્ક ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સંયુક્ત દરોડામાં લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુપ્ત બાતમી અને પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક

19 એપ્રિલ 2026 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા SOG ના PI એસ.એમ. સિંગરખિયાને એક સચોટ બાતમી મળી હતી કે શહેરના હાર્દ સમાન મહેતા માર્કેટમાં મોટા પાયે ભેળસેળયુક્ત અથવા નકલી ઘીનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને એક ટીમ બનાવી 'હેતવી સેલ્સ' નામની પેઢી પર ત્રાટકી હતી.

પ્રાથમિક તપાસમાં જ પોલીસને દાળમાં કંઈક કાળું હોવાનું જણાયું હતું. અહીંથી અમૂલ બ્રાન્ડના પેકિંગમાં શંકાસ્પદ ઘીના 6 ડબ્બા મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે ₹60,000 આંકવામાં આવી છે.

ટાંકી ચોકથી અમદાવાદ સુધી ફેલાયેલું રેકેટ

'હેતવી સેલ્સ'ના માલિકની સઘન પૂછપરછ દરમિયાન આ કૌભાંડના મૂળ વધુ ઊંડા હોવાનું બહાર આવ્યું. આ જથ્થો ટાંકી ચોક વિસ્તારમાં આવેલી 'જે.સી.એન. કંપની' નામની પેઢીમાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો. પોલીસે વિલંબ કર્યા વગર ત્યાં પણ દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી 'અમૂલ પ્યોર ઘી'ના લેબલ લાગેલા ૧૬ ડબ્બા મળી આવ્યા હતા, જેની બજાર કિંમત ₹1,60,000 થાય છે.

તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે આ નકલી ઘીનો સપ્લાય છેક અમદાવાદથી કરવામાં આવતો હતો. અમદાવાદની 'નારાયણી એન્ટરપ્રાઇઝ' નામની પેઢી દ્વારા આ શંકાસ્પદ માલ સુરેન્દ્રનગર મોકલવામાં આવતો હતો. આ બાબત સાબિત કરે છે કે ગુજરાતના મુખ્ય શહેરો વચ્ચે નકલી ખાદ્ય પદાર્થોની એક આખી ચેઈન સક્રિય છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર કૂટણખાનું કાંડ : બે 'પ્રખ્યાત' હોટલ એક વર્ષ માટે સીલ, તંત્રએ લીધો કબ્જો

જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત

પોલીસ અને ફૂડ વિભાગે આ ઓપરેશન દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • શંકાસ્પદ ઘીના ડબ્બા: 22 નંગ (કિંમત ₹2,20,000)

  • મોબાઇલ ફોન: 02 નંગ (કિંમત ₹15,000)

  • કુલ મુદ્દામાલ: ₹2,35,000

હાલમાં સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now