Home Gujarat Surendranagar Crime Ahmedabad Crime Branch

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો! : પહેલાં સોપારી આપી પણ મેળ ન પડ્યો, પછી જે કર્યું એ પતિએ પણ નહીં વિચાર્યું હોય

ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવેલી આરોપી પત્ની અને પ્રેમી
Published by: Vishal Chaudhary
Last Updated: May 18, 2026, 12:28 PM IST

સુરેન્દ્રનગર જિલ્લામાંથી થોડા મહિના પહેલા મળેલા એક બિનવારસી મૃતદેહ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. આ ઘટનામાં મૃતકનું અકસ્માતમાં મોત નહીં પણ પત્નીએ જ પ્રેમી સાથે મળીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

થોડા મહિના અગાઉ બિનવારસી લાશ મળી હતી

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામે રહેતા શાંતિગીરી વિષ્ણુગીરી ગોસ્વામી થોડા મહિના અગાઉ ગુમ થયા હતા. જે બાદ તેમનો મૃતદેહ કેનાલ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પ્રથમ નજરે આ ઘટના અકસ્માતે મોતને લાગતી હતી, પરંતું પોલીસને દાળમાં કંઇક કાળુ હોવાની શંકાઓ હતી. જેથી પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા આ મૃતદેહ સોલડીના શાંતિગીરી ગોસ્વામીનો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસને પત્ની પર શંકા જતા વોચ ગોઠવી

શરૂઆતમાં સ્થાનિક પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ કેસમાં હત્યાના સંકેતો મળ્યા પરંતુ કોઇ નક્કર પુરવાના મળ્યા નહોતા. જોકે, પોલીસે બંધ બારણે તપાસ ચાલુ રાખીને મૃતક શાંતિગીરીની પત્ની જાગૃતિ પર વોચ રાખવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે જાગૃતિના કાંતિ ઉર્ફે ભરત સાબરિયા સાથે નજીકના અને આડા સંબંધ છે. જેથી પોલીસે બંને પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.

અગાઉ પણ પત્નીએ સોપારી આપી હતી

આ દરમિયાન પોલીસેન વધુ એક માહિતી મળી હતી કે મૃતક શાંતિગીરીની પત્ની જાગૃતિએ દોઢેક વર્ષ અગાઉ પણ બનાસકાંઠાના ડીસાના એક શખ્સને શાંતિગીરીને મારવાની સોપારી આપી હતી. જોકે, ડીસાનો શખ્સ ઘટનાને અંજામ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. જે બાદ પોલીસને મજબૂત પુરાવા મળતા પોલીસે જાગૃતિ અને કાંતિ સાબરિયાને ઝડપી લઇને કડક પુછપરછ કરતાં બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી

આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર આરોપી કાંતિ સાબરિયાએ હત્યા અને ત્યારબાદ પુરાવા નષ્ટ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. જ્યારે જાગૃતિ પર ગુનાહિત કાવતરું રચવા, મદદરૂપ થવા અને ગુનો છુપાવવાનો આરોપ છે. આરોપીઓએ મૃતક સ્વેચ્છાએ ઘર છોડીને ગયો હોવાનો ભ્રમ ફેલાવી સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે બંને આરોપીઓની સત્તાવાર ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now