Home Gujarat Surat Surat Varachha Kapodra Fire In 51 Passengers St Bus

સુરતમાં ભડભડ સળગી ઉઠી ચાલતી ST બસ : તમામ મુસાફરોનો આબાદ બચાવ

સુરતમાં ભડભડ સળગી ઉઠી ચાલતી ST બસ
Published by: Chintan Chavda
Last Updated: Mar 24, 2026, 05:27 AM IST

Surat શહેરના વરાછા-કાપોદ્રા વિસ્તારમાં સોમવાર, 23 માર્ચના રોજ એક ગંભીર ઘટના સામે આવી હતી, જ્યાં મેઈન રોડ પર દોડતી એસટી બસમાં અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં કુલ 51 મુસાફરો સવાર હતા, પરંતુ ડ્રાઈવરની સમયસર લેવામાં આવેલી કાર્યવાહીથી તમામનો સલામત બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર, બસ સુરતથી તરસાડી જતી હતી અને કાપોદ્રા મેઈન રોડ પર જલારામ ફર્નિચર નજીક પહોંચતાં ડ્રાઈવર સાઈડમાંથી અચાનક ધુમાડો નીકળતો જોવા મળ્યો. પરિસ્થિતિની ગંભીરતા સમજી ડ્રાઈવરે સહેજ પણ મોડું કર્યા વગર બસને તરત જ રસ્તાની વચ્ચે ઉભી રાખી દીધી અને મુસાફરોને જોરથી અવાજ આપી તાત્કાલિક નીચે ઉતરી જવા કહ્યું. મુસાફરો નીચે ઉતર્યા બાદ થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
આ ઘટના સ્થળની નજીક જ એક પેટ્રોલ પંપ હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને ટ્રાફિક જામને કારણે આગ વધુ ફેલાય તેવી આશંકા ઉભી થઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરાયા બાદ ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી આવ્યા, પરંતુ ભારે ટ્રાફિકને કારણે તેમને રોંગ સાઈડમાં જઈને પહોંચવું પડ્યું હતું.
જોકે કાપોદ્રા ફાયર સ્ટેશન નજીક હોવા છતાં ટ્રાફિકની સમસ્યાએ કામગીરીમાં વિલંબ કર્યો હતો. અંતે ફાયર વિભાગે અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ ડ્રાઈવર સાઈડમાં સ્પાર્ક થવાથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સૌભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા નોંધાઈ નથી, જેને કારણે સ્થાનિક લોકો અને મુસાફરોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now