જાપાનના પાટનગર ટોક્યો ખાતે યોજાયેલી સમર ડેફલિમ્પિક્સ 2025માં ગુજરાતના એક હોનહાર યુવાને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સુરતના રહેવાસી મોહમ્મદ મુર્તઝા વાણિયાએ શૂટિંગની રમતમાં બે મેડલ જીતીને માત્ર ડાયમંડ સિટી સુરત જ નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે. જન્મજાત સાંભળવાની ક્ષમતા ન ધરાવતા હોવા છતાં આ યુવાને પોતાની શારીરિક ખામીને જ પોતાની તાકાત બનાવી દીધી છે. આ ઐતિહાસિક જીત મેળવીને જ્યારે મોહમ્મદ પોતાના વતન પરત ફર્યો ત્યારે સુરત એરપોર્ટ પર તેનું અને તેના પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડેફલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ લાવનારો તે ગુજરાતનો પ્રથમ યુવાન બની ગયો છે.
માત્ર 19 વર્ષની ઉંમરે મોહમ્મદ વાણિયાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી દીધી છે. તેણે ટોક્યોમાં આયોજિત આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા એક સિલ્વર અને એક બ્રોન્ઝ એમ કુલ બે મેડલ પોતાના નામે કર્યા છે. હાલમાં તે સુરતની સાર્વજનિક યુનિવર્સિટીમાં BScITના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. આ પહેલા પણ ગત વર્ષે યોજાયેલી વર્લ્ડ ડેફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં તેણે દેશને મેડલ અપાવ્યા હતા. તેની કારકિર્દી પર નજર કરીએ તો તેણે અત્યાર સુધીમાં સ્ટેટ અને નેશનલ લેવલે મળીને કુલ 13 ગોલ્ડ મેડલ તેમજ 11 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીતીને મેડલોનો ખડકલો કરી દીધો છે.
મોહમ્મદના જીવનનો સંઘર્ષ પણ ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો છે. તે જન્મથી જ સાંભળી શકતો નથી. જ્યારે તે માત્ર 4 વર્ષનો હતો ત્યારે તેનું કોકલિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. શરૂઆતના તબક્કે તેણે ટેબલ ટેનિસ અને સ્વિમિંગ તેમજ રેસ જેવી રમતોમાં નસીબ અજમાવ્યું હતું અને સારો દેખાવ પણ કર્યો હતો. પરંતુ શારીરિક શ્રમ અને પરસેવાને કારણે તથા વાતાવરણના ફેરફારથી તેના કાનના મશીનમાં વારંવાર તકલીફ ઊભી થતી હતી. આ સમસ્યાના કાયમી ઉકેલ રૂપે તેણે શૂટિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. જિલ્લા કક્ષાની પહેલી જ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને તેણે સાબિત કરી દીધું હતું કે તેનો નિર્ણય સાચો હતો અને આજે તે વિશ્વ કક્ષાએ પહોંચી ગયો છે.






