સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પોલીસ કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે જેમાં દાબેલીની લારી ચલાવતા મૃગેશભાઈ ઠક્કર પર કથિત રીતે બુટલેગર અને પોલીસકર્મીઓ દ્વારા મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટનાને પગલે રાંદેર પોલીસ સ્ટેશન ખાતે પીડિત પરિવારે હોબાળો મચાવ્યો હતો અને ન્યાયની માંગ ઉઠી છે.
મૃગેશભાઈ ઠક્કર પોતાની એક્ટિવા પરત લેવા માટે ગયા હતા, જ્યાં કથિત બુટલેગર તરીકે ઓળખાતા બબ્બન સાથે તેમનો વિવાદ થયો હતો. વિવાદ વધતા 112 ઈમરજન્સી સેવા પર કોલ કરવામાં આવ્યો હતો જેના પગલે મામલો પોલીસ સુધી પહોંચ્યો અને બંને પક્ષોને રાંદેર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
પોલીસ સ્ટેશનમાં મારપીટના આક્ષેપ
પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં મૃગેશભાઈને અલગ રૂમમાં લઈ જઈને પોલીસકર્મી ભરતસિંહ સહિત 3થી 4 પોલીસકર્મીઓએ બેલ્ટ અને પાઈપથી માર માર્યો હતો. આ દરમિયાન, મૃગેશભાઈના 14 વર્ષના પુત્રએ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેને ધક્કો મારીને નીચે પછાડ્યો, અપ શબ્દો કહ્યા અને તેના હાથ પર નખ માર્યા હોવાનો આક્ષેપ છે. આ ઘટના પરિવાર માટે વધુ આઘાતજનક બની હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં 17 લાખના સ્ટોક માર્કેટ ફ્રોડનો થયો પર્દાફાશ : સાયબર ક્રાઇમે 3 આરોપીને ઝડપી પાડ્યા
બંને પક્ષોની વિરુદ્ધ દાવા
ઘટનાને લઈને બંને પક્ષો તરફથી વિરોધાભાસી દાવાઓ સામે આવ્યા છે. પીડિત પરિવારનો આક્ષેપ છે કે ઘટનાના સમયે પોલીસકર્મીઓ નશાની હાલતમાં હતા જેના કારણે તેઓએ બેફામ રીતે મારપીટ કરી. બીજી તરફ, પોલીસે આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે મૃગેશભાઈ પોતે જ નશાની હાલતમાં હતા અને તેમણે ગેરવર્તણૂક કરી હતી આ વિવાદને કારણે સત્ય શું છે તે અંગે સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી અને સત્તાવાર તપાસની જરૂરિયાત ઊભી થઈ છે.
તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ
મારપીટના કારણે મૃગેશભાઈની તબિયત લથડી ગઈ હતી અને તેમને છાતીમાં ભારે દુખાવો શરૂ થયો હતો. ત્યારબાદ 108 ઈમરજન્સી સેવા દ્વારા તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: 2 પિસ્તોલ, એક દેશી તમંચા સાથે બે આરોપી ઝડપાયા : ચેકિંગ દરમિયાન ચિલોડા પોલીસની કાર્યવાહી
પોલીસ ફરિયાદ ના લેતા કમિશનર સુધી પહોંચ્યો મામલો
પરિવારનો આક્ષેપ છે કે રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી. જેના કારણે પીડિત પક્ષે સુરત પોલીસ કમિશનર કચેરીમાં લેખિત અરજી કરી છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
આ ઘટના સુરત શહેરમાં પોલીસની કામગીરી અને જવાબદારી અંગે ચર્ચાનો વિષય બની છે. હવે આગળ શું કાર્યવાહી થાય છે અને તપાસમાં શું બહાર આવે છે તે મહત્વપૂર્ણ રહેશે. સ્થાનિક લોકો અને સમાજમાં પણ આ મામલે પારદર્શિતા અને ન્યાયની અપેક્ષા વધી રહી છે.





