Home Gujarat Ahmedabad Ahmedabad Cyber Crime Stock Market Fraud 17 Lakh

અમદાવાદમાં 17 લાખના સ્ટોક માર્કેટ ફ્રોડનો થયો પર્દાફાશ : સાયબર ક્રાઇમે 3 આરોપીને ઝડપી પાડ્યા

આરોપીઓની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 04, 2026, 10:30 AM IST

અમદાવાદમાં વધતી સાયબર ઠગાઈની ઘટનાઓ વચ્ચે સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને 17 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગના 3 સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ મારફતે લોકોને સંપર્ક કરીને તેમને સ્ટોક માર્કેટમાં ઊંચો નફો અપાવવાની લાલચ આપી હતી. આ ગેંગે પોતાની ઓળખ છુપાવવા બનાવવા માટે નકલી પ્રોફાઈલ, ફેક કંપની નામ અને ખોટા ટ્રેડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો.

ગેંગની મોડસ ઓપરેન્ડી

આરોપીઓ પહેલા લોકોને રોકાણ માટે પ્રેરિત કરતા અને શરૂઆતમાં નાના નફા બતાવી વિશ્વાસ જીતતા ત્યારબાદ તેઓ મોટા રોકાણ માટે દબાણ કરતા અને ધીમે ધીમે લાખો રૂપિયાની રકમ ટ્રાન્સફર કરાવી લેતા. જ્યારે રોકાણકારો નફો ઉપાડવાનો પ્રયાસ કરતા ત્યારે ટેકનિકલ સમસ્યાઓ, ટેક્સ અથવા અન્ય બહાનાઓ બતાવી વધુ રૂપિયા માંગવામાં આવતા. અંતે જ્યારે ભોગ બનનારને શંકા થાય ત્યારે આરોપીઓ સંપર્ક તોડી દેતા. આ રીતે એક પીડિત વ્યક્તિ પાસેથી કુલ 17 લાખ રૂપિયાની ઠગાઈ કરાવામાં આવી છે. .

આ પણ વાંચો: નજીવી બાબતે આધેડ પર હિંસક હુમલો : 4 શખ્સે તલવાર-છરીથી કર્યું આક્રમણ

સાયબર ક્રાઈમની તપાસ

ફરિયાદ મળ્યા બાદ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ, બેંક ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ અને ડિજિટલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓની ઓળખ કરી તેમનું લોકેશન ટ્રેસ કર્યું હતું. અંતે 3 આરોપીઓને ઝડપવામાં સફળતા મળી. પોલીસે તેમની પાસેથી મોબાઇલ ફોન, સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ સાધનો જપ્ત કર્યા છે. જે તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે.

કોણ છે આરોપી

  • સુરતમાં રહી કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરતો 37 વર્ષનો જિતેન્દ્ર ધીરજલાલ બુહા ઝડપાયો છે.

  • સુરતમાં રહી નોકરી કરતો 47 વર્ષનો શૈલેષભાઈ મનજીભાઈ રંગપરિયા ઝડપાયો છે.

  • સુરતમાં હીરા કારીગર તરીકે કામ કરતો 26 વર્ષનો પીયુષ વિનુભાઈ સોલંકી ઝડપાયો છે.

આ પણ વાંચો: 2 પિસ્તોલ, એક દેશી તમંચા સાથે બે આરોપી ઝડપાયા : ચેકિંગ દરમિયાન ચિલોડા પોલીસની કાર્યવાહી

વધતી ઓનલાઇન ઠગાઈ

તાજેતરના સમયમાં સ્ટોક માર્કેટ અને ક્રિપ્ટોકરન્સી જેવા ક્ષેત્રોમાં રોકાણ વધતા ઠગાઈના કેસોમાં પણ વધારો નોંધાયો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ મારફતે અજાણ્યા લોકો દ્વારા આપવામાં આવતી રોકાણની ઓફરોમાં જોખમ વધારે હોય છે. રોકાણ કરતા પહેલા કંપનીની વિશ્વસનીયતા ચકાસવી, સત્તાવાર પ્લેટફોર્મનો ઉપયોગ કરવો અને કોઈપણ પ્રકારની લાલચથી દૂર રહેવું જરૂરી છે.

ટેક્નોલોજીના વધતા ઉપયોગ સાથે સુરક્ષા જાગૃતિ પણ એટલી જ જરૂરી બની ગઈ છે. આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે રોકાણ કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવવી અને સાવચેતી રાખવી આજના સમયમાં અનિવાર્ય બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now