Home Gujarat Surat Surat Puna Textile Child Labour Racket 86 Children Rescued

સુરતના પુણામાં બાળમજૂરીના રેકેટનો પર્દાફાશ : 86 બાળકો રેસ્ક્યુ, 7 વર્ષનું બાળક પણ મળ્યું

પૂણા પોલીસ સ્ટેશન
Published by: Chintan Chavda
Last Updated: May 14, 2026, 12:08 PM IST

સુરત શહેરના પુણા વિસ્તારમાં ચાલતા ટેક્સટાઇલ યુનિટોમાં બાળમજૂરી અને માનવ તસ્કરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. સુરત પોલીસ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU), નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ (NCPCR) અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં કુલ 86 બાળકોને મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બચાવાયેલા બાળકોમાં સૌથી નાની ઉંમરનું બાળક માત્ર 7 વર્ષનું હોવાનું સામે આવ્યું છે.

પુણાની સીતારામ સોસાયટી અને મુક્તિધામ સોસાયટીમાં ચાલતા ટેક્સટાઇલ યુનિટોમાં આ બાળકોને ગેરકાયદેસર રીતે રાખીને લાંબા કલાકો સુધી કામ કરાવવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બાળકોને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી ખોટા વચનો આપીને સુરત લાવવામાં આવ્યા હતા.

100 થી વધુ મકાનોમાં ચેકિંગ, 27 સ્થળોએ બાળમજૂરી મળી

ગાયત્રી સેવા સંસ્થાની મળેલી બાતમીના આધારે ગત બુધવારે સંયુક્ત ટીમે પુણા વિસ્તારમાં અચાનક દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન લગભગ 100 મકાનોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 27 મકાનોમાં ગેરકાયદેસર રીતે ટેક્સટાઇલ યુનિટો ચાલતા હોવાનું સામે આવ્યું હતું.

આ યુનિટોમાં બાળકોને સાંકડી અને અપર્યાપ્ત હવાના ઓરડાઓમાં રાખવામાં આવતા હતા. કેટલીક જગ્યાએ બાળકો સાડીઓના દોરા કાપવાનું કામ કરતા હતા, જ્યારે અન્ય બાળકો જોખમી મશીનો પર કામ કરતા જોવા મળ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ઘણા બાળકો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી અહીં કામ કરતા હતા.

દરોડા દરમિયાન ટીમે જોયેલા દ્રશ્યો હૃદયદ્રાવક હતા. એક 7 વર્ષનું બાળક શર્ટ વગર ધ્રૂજતી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસને જોઈને બાળક અન્ય બાળકો પાછળ છુપાઈ ગયું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ બાળકો પાસે રોજના 12 કલાક સુધી મજૂરી કરાવવામાં આવતી હતી.

આદિવાસી અને ગરીબ પરિવારોને નિશાન બનાવતા એજન્ટો

તપાસમાં સામે આવ્યું છે કે બાળ તસ્કરી માટે સક્રિય એજન્ટો ખાસ કરીને ગરીબ અને આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ કરતા હતા. ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બાળકોને લાવવામાં આવ્યા હતા. બચાવાયેલા બાળકોમાં 8 અને 10 વર્ષના બે સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે.

એજન્ટો પરિવારોને આર્થિક મદદ, શહેરમાં ભણતર અથવા સુરત ફરવા લઈ જવાના બહાના આપતા હતા. ઘણા કિસ્સામાં પરિવારોને થોડાક રૂપિયા આપીને બાળકોને કામ માટે મોકલવામાં આવતા હતા. ગરીબી અને શિક્ષણના અભાવને કારણે આવા પરિવારો સરળતાથી જાળમાં ફસાઈ જતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ સૂત્રો મુજબ કેટલાક બાળકોને મહિને માત્ર 5થી 8 હજાર રૂપિયામાં આખો મહિનો કામ કરાવવામાં આવતું હતું. ઘણા બાળકો સ્કૂલ છોડીને આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
હોર્મુઝમાં ગુજરાતના જહાજ પર હુમલા બાદ ભારતની કડક ચેતવણી: ડ્રોન અટેકથી સમુદ્રમાં સમાયું 'હાજી અલી', જાણો જહાજ માલિકે શું કહ્યું

ફેક્ટરી સંચાલકોનો બચાવ, પરંતુ કાયદો કડક

ફેક્ટરી સંચાલકો અને યુનિટ માલિકોએ પૂછપરછ દરમિયાન દલીલ કરી હતી કે તેઓ બાળકોને તેમના માતા-પિતાની સંમતિથી જ લાવ્યા હતા. જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસે જોખમી ઉદ્યોગોમાં કામ કરાવવું જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અને બાળમજૂરી પ્રતિબંધ કાયદા હેઠળ ગંભીર ગુનો છે.

પોલીસે સંબંધિત ફેક્ટરી સંચાલકો, દલાલો અને એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ નેટવર્ક માત્ર સુરત સુધી મર્યાદિત છે કે અન્ય શહેરોમાં પણ તેનું જાળું ફેલાયેલું છે.

સુરતમાં બાળમજૂરીનો જૂનો પ્રશ્ન ફરી ચર્ચામાં

સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોમાં બાળમજૂરીનો મુદ્દો અગાઉ પણ અનેક વખત સામે આવ્યો છે. ખાસ કરીને સ્થળાંતરિત મજૂરો અને ગરીબ પરિવારોના બાળકોને સસ્તા શ્રમ તરીકે ઉપયોગમાં લેવાતા હોવાના આરોપો લાંબા સમયથી ઉઠતા રહ્યા છે.

બાળ અધિકાર કાર્યકરોનું માનવું છે કે સ્કૂલ ડ્રોપઆઉટ બાળકો સૌથી સરળ નિશાન બને છે. શિક્ષણથી દૂર થયેલા બાળકોને રોજગાર અને શહેરના સપનાઓ બતાવી ઉદ્યોગોમાં ધકેલી દેવામાં આવે છે. ઘણા કિસ્સામાં બાળકોને તેમના મૂળ ગામથી દૂર રાખવામાં આવતા હોવાથી પરિવારજનો પણ લાંબા સમય સુધી સંપર્ક ગુમાવી દેતા હોય છે.

બાળ સુરક્ષા એજન્સીઓએ હવે બચાવાયેલા તમામ બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે અને તેમના પુનઃવસન, આરોગ્ય ચકાસણી અને પરિવાર સાથે પુનઃમિલન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સાથે જ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.
અમદાવાદમાં હિરેન સોલંકીનું ઢીમ ઢાળી દેવાના કેસમાં આરોપીઓ ઝડપાયા: મહાવીર સિંહ અને રણવીર સિંહની પોલીસે કરી ધરપકડ

13 મેની કાર્યવાહીએ ખોલી નેટવર્કની પોલ

આ સમગ્ર કાર્યવાહી 13 મે, 2026ના રોજ શરૂ થયેલા વિશેષ ઓપરેશનનો ભાગ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ઉદયપુર AHTU અને રાજ્ય બાળ આયોગને મળેલી માહિતી બાદ સુરતમાં બાળમજૂરીનું મોટું નેટવર્ક કાર્યરત હોવાની શંકા ઊભી થઈ હતી. ત્યારબાદ સંયુક્ત ટીમે સતત દેખરેખ રાખી અને અંતે પુણા વિસ્તારમાં દરોડા પાડીને 86 બાળકોને મુક્ત કરાવ્યા હતા.

આ કાર્યવાહી બાદ ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે કે દેશના મોટા ઉદ્યોગ શહેરોમાં બાળમજૂરી રોકવા માટેના કાયદાનો અમલ કેટલો અસરકારક છે. સાથે જ ગરીબી, શિક્ષણનો અભાવ અને માનવ તસ્કરી સામે રાજ્ય સ્તરે વધુ મજબૂત સંકલિત કાર્યવાહી કરવાની જરૂરિયાત પણ ચર્ચામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now