Home Gujarat Surat Surat Cow Meat Smuggling Accused Arrested

ગૌમાંસની હેરાફેરી કેસમાં ઝડપાયો આરોપી : ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનોએ ઝડુપી હતી ગૌમાંસ ભરેલી રિક્ષા

ગૌમાંસની હેરેફેરી કરનાર આરોપીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 14, 2026, 12:14 PM IST

સુરત શહેરમાં ગૌમાંસની હેરાફેરી મામલે ક્રાઈમ બ્રાન્ચે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં એક રીઢા આરોપીની ધરપકડ કરી છે. પોલીસે રઈશ ઉર્ફે ભૂખડ મતિન શેખ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસ અગાઉથી જ ચર્ચામાં રહ્યો હતો જ્યારે ગૌરક્ષકો અને કેટલાક હિન્દુ સંગઠનોએ ગૌમાંસ ભરેલી રિક્ષા ઝડપી હતી. અગાઉ ઝડપાયેલા એક આરોપીની પૂછપરછ દરમિયાન રઈશ ઉર્ફે ભૂખડ મતિન શેખનું નામ સામે આવ્યું હતું. આ આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ ઈનપુટના આધારે તેની શોધખોળ શરૂ કરી અને અંતે તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસનાં જણાવ્યા અનુસાર આરોપી લાંબા સમયથી ગૌમાંસની હેરાફેરીના ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલો હતો.

જુના ગુનાખોરીનો ઈતિહાસ

પોલીસ રેકોર્ડ મુજબ, ઝડપાયેલ આરોપી અગાઉ પણ અનેક વખત ગૌવંશ હત્યા અને ગૌમાંસ હેરાફેરી જેવા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. અંકલેશ્વર, કામરેજ, ઓલપાડ, ડિંડોલી અને અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના વિરુદ્ધ કેસ નોંધાયેલા છે. આથી સ્પષ્ટ થાય છે કે આરોપી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સતત સંડોવાયેલો રહ્યો છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે જામીન પર છૂટેલા અનસ નામના ઇસમ સાથે મળીને આરોપીએ ગૌમાંસ મંગાવવાની વ્યવસ્થા કરી હતી. ખોરાડ, અંકલેશ્વર વિસ્તારથી ગૌમાંસ લાવવામાં આવતું હતું અને ત્યારબાદ સુરતમાં વિવિધ વ્યક્તિઓ સુધી તેની સપ્લાય કરવામાં આવતી હતી. આ નેટવર્કમાં અનેક લોકોની સંડોવણી હોવાની સંભાવના પોલીસ વ્યક્ત કરી રહી છે.

આ પણ વાંચો: સુરતના પુણામાં બાળમજૂરીના રેકેટનો પર્દાફાશ : 86 બાળકો રેસ્ક્યુ, 7 વર્ષનું બાળક પણ મળ્યું

રિક્ષા મારફતે સપ્લાય

પોલીસ તપાસ મુજબ, એક માસ પહેલાં રિક્ષા ડ્રાઈવર નબી શેખ દ્વારા ગૌમાંસ સુરત ખાતે પહોંચાડવામાં આવી રહ્યું હતું. આ સપ્લાય અકરમ, અસલમ અને સાકિર મૌલાના સુધી પહોંચાડવાની હતી. જોકે, તે દરમિયાન જ પોલીસને માહિતી મળતા રઉફ નબી શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેમાંથી મહત્વપૂર્ણ માહિતી મળી હતી. આ ઘટનાએ સમગ્ર ગેરકાયદેસર નેટવર્કને બહાર લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અગાઉની ધરપકડ અને પૂછપરછના આધારે હવે મુખ્ય આરોપી સુધી પહોંચવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

ક્રાઈમ બ્રાન્ચની આગળની કાર્યવાહી

સુરત ક્રાઈમ બ્રાન્ચ હવે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી રહી છે. આરોપી પાસેથી વધુ માહિતી મેળવી સમગ્ર નેટવર્કને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા આ કેસમાં સંડોવાયેલા અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી શક્ય છે. અધિકારીઓનું કહેવું છે કે ગૌમાંસ હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. શહેરમાં આવી પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે વિશેષ ટીમો પણ કાર્યરત છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હિરેન સોલંકીનું ઢીમ ઢાળી દેવાના કેસમાં આરોપીઓ ઝડપાયા : મહાવીર સિંહ અને રણવીર સિંહની પોલીસે કરી ધરપકડ


કાયદો અને સામાજિક સંવેદનશીલતા

આ પ્રકારના કેસો માત્ર કાયદાકીય મુદ્દા પૂરતા સીમિત નથી રહેતા, પરંતુ તે સામાજિક અને ધાર્મિક સંવેદનશીલતા સાથે પણ જોડાયેલા હોય છે. તેથી પોલીસ ખૂબ જ સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે અને કોઈપણ પ્રકારની અફવા કે તણાવ ન ફેલાય તે માટે પણ પગલાં લઈ રહી છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે અને શાંતિ જાળવે. સાથે જ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now