Home Gujarat Surat Surat Police Operation Mule Hunt 2 Cyber Fraud 77 Accused Arrested

સુરત પોલીસનું 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' સફળ : ₹4.31 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ, 77 આરોપીઓ ઝડપાયા

આરોપીઓની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 03, 2026, 12:55 PM IST

સાયબર ગુનાઓ અને ઓનલાઈન ઠગાઈના સતત વધી રહેલા બનાવો વચ્ચે સુરત પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત મોટી સફળતા મેળવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન હેઠળ 31 મેથી 2 જૂન 2026 દરમિયાન હાથ ધરાયેલા ત્રણ દિવસીય વિશેષ ઓપરેશનમાં કુલ 58 સાયબર ફ્રોડના ગુના નોંધવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ₹4.31 કરોડથી વધુની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને દેશના વિવિધ રાજ્યોમાંથી 77 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સાયબર ગુનાઓમાં સૌથી મહત્વની કડી ગણાતા ‘મ્યુલ એકાઉન્ટ’ સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવા એકાઉન્ટ્સનો ઉપયોગ ઠગો છેતરપિંડીથી મેળવેલી રકમને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરીને મૂળ ગુનાની કડી તોડવા માટે કરતા હોય છે.

શું છે મ્યુલ એકાઉન્ટ?

સાયબર ગુનેગારો મોટાભાગે આર્થિક રીતે નબળા લોકોના નામે બેંક ખાતા ખોલાવે છે અથવા તેમના હાલના ખાતાઓ ભાડે લે છે. તેના બદલામાં ખાતાધારકોને થોડું કમિશન આપવામાં આવે છે. આ ખાતાઓમાં ઠગાઈની રકમ જમા કરવામાં આવે છે અને ત્યારબાદ ઝડપથી અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ATM અથવા અન્ય માધ્યમોથી ઉપાડી લેવામાં આવે છે. પરિણામે ગુનાની રકમનો ટ્રેસ શોધવો અને પીડિતોને નાણાં પરત અપાવવાનું કામ અત્યંત જટિલ બની જાય છે.

એક મહિના સુધી ચાલ્યું પૂર્વ આયોજન

સુરત પોલીસ દ્વારા આ ઓપરેશન માટે લગભગ એક મહિના સુધી સઘન તૈયારી કરવામાં આવી હતી. National Cyber Crime Reporting Portal (NCCRP), SAMANVAYA અને SAHYOG જેવા કેન્દ્ર અને રાજ્ય સરકારના ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને શંકાસ્પદ બેંક ખાતાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

15 મે 2026ના રોજ બેંકો, ફિનટેક કંપનીઓ, ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને ટેલિકોમ વિભાગ સાથે સંકલન બેઠક યોજાઈ હતી. ત્યારબાદ 16 મેના રોજ સુરત શહેરના 500થી વધુ પોલીસ કર્મચારીઓને સાયબર નિષ્ણાતો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: જામનગરવાસીઓ માટે મહત્વના સમાચાર : ગુરુવારે શહેરના આ પોશ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે, જાણો વિગત

50 ટીમો દેશભરમાં રવાના

સાયબર સેલ સહિત સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનોની 50 અલગ-અલગ ટીમો બનાવી દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી હતી ટેક્નિકલ એનાલિસિસ અને ડિજિટલ ઇન્ટેલિજન્સના આધારે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને અન્ય રાજ્યોમાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

58 ગુના, 77 આરોપી અને 339 ફરિયાદો સાથે જોડાણ

પોલીસે ઓપરેશન દરમિયાન કુલ 58 FIR નોંધાવી છે અને 77 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓના મ્યુલ એકાઉન્ટ્સ સામે દેશભરમાં કુલ 339 જેટલી સાયબર ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં અંદાજે ₹1.04 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરવામાં પણ સફળતા મેળવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ‘ઓપરેશન ડેલ્ટાહન્ટ’ હેઠળ 362 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા : હર્ષ સંઘવીએ કહ્યું, 'આશ્રય આપનાર પર પણ કાર્યવાહી થશે'

અનેક પ્રકારની સાયબર ઠગાઈનો ખુલાસો

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ વિવિધ પ્રકારની ઓનલાઈન છેતરપિંડીમાં સંડોવાયેલા હતા. જેમાં હોટલ બુકિંગ ફ્રોડ, ઇન્શ્યોરન્સ પોલિસી ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, નકલી ઓનલાઈન શોપિંગ જાહેરાતો, વર્ક વિઝા ફ્રોડ, ડાયમંડ ટ્રેનિંગ ફ્રોડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અપાવવાના નામે છેતરપિંડી, APK ફાઇલ મારફતે મોબાઇલ હેકિંગ, લોન ફ્રોડ, પાર્સલ ડિલિવરી સ્કેમ અને ડિજિટલ અરેસ્ટ જેવા અનેક ગુનાઓનો સમાવેશ થાય છે. ઠગાઈની રકમ મળતા જ આરોપીઓ આ નાણાંને અલગ-અલગ મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરીને ગુનાની રકમને ટ્રેસ કરવી મુશ્કેલ બનાવી દેતા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં ઘૂસણખોરો સામે મેગા ડ્રાઈવ : વડોદરામાંથી 7 બાંગ્લાદેશી ઝડપાયા, 200થી વધુની પૂછપરછ

કેટલાક આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો

ધરપકડ કરાયેલા કેટલાક આરોપીઓ અગાઉ પણ સાયબર ફ્રોડ, છેતરપિંડી, વિશ્વાસઘાત અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ હાલ મ્યુલ એકાઉન્ટ્સના ડેટાનું વધુ વિશ્લેષણ કરી રહી છે અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now