Home Gujarat Surat Surat Nakshatra Safe Vault Gold Theft Ai Cctv Investigation

સુરતના નક્ષત્ર સેફ વોલ્ટ ચોરીકાંડમાં મોટા ખુલાસા : ચોરીના દાગીના ખરીદનાર બે સોની સહિત ચાર રિમાન્ડ પર

નક્ષત્ર વૉલ્ટ ચોરીમાં ઝડપાયેલા આરોપીઓ
Published by: Chintan Chavda
Last Updated: Jul 29, 2026, 05:59 AM IST

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં કરોડો રૂપિયાના દાગીનાની ચોરીના કેસમાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. કેસમાં ચોરીના દાગીના ખરીદનાર બે સોની તેમજ લોકર તોડવામાં મદદ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય આરોપી મહેશ દિયોરા, તેના બંને પુત્રો અને લોકર તોડનાર આરોપીને કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પોલીસ તપાસ મુજબ મુખ્ય આરોપીના પુત્રે સટ્ટામાં અંદાજે અઢી કરોડ રૂપિયા ગુમાવ્યા બાદ આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે સેફ વોલ્ટના લોકરો તોડીને તેમાં રહેલા દાગીના ચોરી કરવાની યોજના ઘડી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર ઘટનાએ સુરતમાં ખાનગી લોકર સુવિધાની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના તપાસમાં મોટું અપડેટ : AAIB ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટને સીલબંધ અંતિમ રિપોર્ટ સોંપશે

એક લોકર તોડવાના મળતા હતા ₹1,200

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે લોકરો તોડવાની કામગીરી માટે મણિલાલ નામના વ્યક્તિને પ્રતિ લોકર ₹1,200 ચૂકવવામાં આવતા હતા. પોલીસે આ આરોપીની પણ ધરપકડ કરી છે અને તેની પૂછપરછના આધારે સમગ્ર કાવતરાની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસે વધુ તપાસ દરમિયાન એવો પણ ખુલાસો કર્યો છે કે અગાઉ નોંધાયેલી ચાર ફરિયાદો ઉપરાંત હવે વધુ ત્રણ લોકરોમાંથી અંદાજે ₹78 લાખના દાગીનાની ચોરી થયાની વિગતો સામે આવી છે. આથી ચોરીનું કુલ પ્રમાણ વધુ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી દીપડાની દહેશત! : મુમતપુર વિસ્તારમાં પગના નિશાન મળતા વન વિભાગ સતર્ક

AIની મદદથી CCTV ફૂટેજ ડિલીટ કરવાનો પ્રયાસ

આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે આરોપીઓએ ઘટનાના પુરાવા નષ્ટ કરવા માટે CCTV ફૂટેજ ડિલીટ કરવાની રીત જાણવા કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત ટૂલ 'Google Gemini'નો ઉપયોગ કરીને માર્ગદર્શન મેળવ્યાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. પોલીસ હવે આરોપીઓએ ડિજિટલ પુરાવા નષ્ટ કરવા અન્ય કયા ઉપાયો અપનાવ્યા હતા તેની પણ સાયબર ફોરેન્સિક તપાસ કરી રહી છે.

અગાઉ સિંગણપોર પોલીસે ચાર ફરિયાદોના આધારે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં કુલ 206 તોલા સોનાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. તે સમયે અંદાજે ₹2.67 કરોડના સોનાની ચોરીનો ગુનો નોંધાયો હતો અને પિતા-પુત્રો સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મહેસાણામાં ચાંદીપુરાનો વધુ એક ભોગ : 4 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત, જિલ્લામાં મૃત્યુઆંક 2 થયો

વધુ ખુલાસાની શક્યતા

સિંગણપોર પોલીસ હાલમાં આરોપીઓની પૂછપરછ, જપ્ત કરાયેલા પુરાવા, ચોરીના દાગીનાની હેરફેર તેમજ અન્ય સંભવિત સંડોવાયેલા લોકો અંગે તપાસ આગળ વધારી રહી છે. પોલીસના મતે તપાસ આગળ વધતાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા નકારી શકાય નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now