Home Gujarat Surat Surat Suman School Class 9 Student Electric Shock Death

સુરતની સુમન શાળામાં કરંટ લાગતા ધો. 9 વિદ્યાર્થીના મોતનો મામલો : ACP-PI સહિત ટોરેન્ટ પાવર અને પાલિકાની ટીમ તપાસમાં જોતરાઈ

સુરતની સુમન શાળા નં. 16 ખાતે વિદ્યાર્થીને વીજ કરંટ લાગ્યાની ઘટના બાદ તપાસ કરતી સુરત પોલીસ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 28, 2026, 12:32 PM IST

Surat News: સુરત શહેરની સલાબતપુરા વિસ્તારમાં આવેલી સુમન શાળા ક્રમાંક-16માં એક દુઃખદ ઘટના સામે આવી છે. શાળામાં પીટી (ફિઝિકલ ટ્રેનિંગ)ના પિરિયડ દરમિયાન ટેરેસ પર લઈ જવામાં આવેલા ધોરણ-9ના એક વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર શાળા તેમજ શહેરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. બનાવની જાણ થતાં સલાબતપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ઘટના સવારે અંદાજે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બની હતી. પીટીનો પિરિયડ હોવાથી શિક્ષક વિદ્યાર્થીઓને શાળાના ટેરેસ પર લઈ ગયા હતા. તે દરમિયાન એક વિદ્યાર્થી ટેરેસ નજીક આવેલા વીજ પોલના સંપર્કમાં આવી ગયો હતો. વીજ કરંટ લાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાના પગલે અન્ય વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી.


સારવાર પહેલાં જ વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો

કરંટ લાગ્યા બાદ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાથી મૃતક વિદ્યાર્થીના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે, જ્યારે શાળામાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘટનાને પગલે વાલીઓમાં પણ બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે. બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ હોસ્પિટલ અને ત્યારબાદ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની પ્રક્રિયા મુજબ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

એસીપી અને પીઆઈ સહિતના અધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસના એસીપી સી. જી. વાડોદરિયા સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ શાળાના ટેરેસ, વીજ પોલ અને સમગ્ર સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. અકસ્માત કઈ પરિસ્થિતિમાં બન્યો અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સાથે જ ઘટના સમયે ટેરેસ પર હાજર રહેલા અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે, જેથી સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ થઈ શકે.

ટોરેન્ટ પાવર અને પાલિકાના ઇલેક્ટ્રિકલ વિભાગને તપાસમાં જોડાયા

આ સમગ્ર ઘટનામાં વીજ સલામતી સંબંધિત કોઈ ખામી હતી કે નહીં તે જાણવા માટે ટોરેન્ટ પાવરના અધિકારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિકલ વિભાગને પણ તપાસમાં જોડવામાં આવ્યા છે. વીજ પોલમાં કોઈ ટેક્નિકલ ખામી હતી કે વીજ પ્રવાહ સુરક્ષા ધોરણો મુજબ હતો કે નહીં તે અંગે નિષ્ણાતોની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ટેક્નિકલ તપાસના અહેવાલો મળ્યા બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. જો તપાસ દરમિયાન કોઈ પ્રકારની બેદરકારી સામે આવશે તો સંબંધિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: માંજલપુર પેટાચૂંટણી પહેલાં ચૂંટણી પંચનો મોટો નિર્ણય : એક્ઝિટ પોલના પ્રસારણ પર પ્રતિબંધ

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી

એસીપી સી. જી. વાડોદરિયાએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો, ટેક્નિકલ તપાસ અને ફોરેન્સિક સહિતના પુરાવાના આધારે સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના બાદ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે. ખાસ કરીને શાળા પરિસરમાં આવેલા વીજ સાધનો, ખુલ્લા વીજ પોલ અને જોખમી સ્થળોની નિયમિત તપાસ તથા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now