Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યના સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ઉમિયા માતા મંદિરમાં થયેલી કરોડોની ચોરીનો ભેદ આખરે પોલીસએ ઉકેલી કાઢ્યો છે. ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને સતત તપાસના આધારે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી અંદાજે ₹8.40 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે, જ્યારે ચોરીનો કુલ મુદ્દામાલ અંદાજે ₹2.30 કરોડનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 17 જુલાઈ 2025ની મધરાતે આશરે 2 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે અજાણ્યા શખ્સોએ સાણંદ-બાવળા રોડ પર આવેલા ઉમિયા માતાના મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ મંદિરના ગર્ભગૃહના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો અને માતાજીના આશરે અઢી કિલો વજનના ચાંદીના છત્ર, આશરે 500 ગ્રામ વજનનો ચાંદીનો મુગટ તેમજ અન્ય કિંમતી ચાંદીના ઘરેણાં અને ચીજવસ્તુઓ મળી કુલ અંદાજે ₹2.30 કરોડના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
માંજલપુર પેટાચૂંટણી પહેલાં ચૂંટણી પંચનો મોટો નિર્ણય : એક્ઝિટ પોલના પ્રસારણ પર પ્રતિબંધ
ગૂગલ મેપ અને સ્ક્રીન રેકોર્ડિંગથી તૈયાર કર્યો હતો આખો પ્લાન
પોલીસ તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આરોપીઓએ ચોરી પહેલાં મંદિરની સંપૂર્ણ રેકી કરી હતી. ગૂગલ મેપનો ઉપયોગ કરીને સ્થળની માહિતી મેળવી હતી અને મેપ પર સ્ક્રીન રેકોર્ડિંગ કરીને કયા આરોપીએ ક્યાં ઉભા રહેવું, કોણ કઈ દિશામાંથી પ્રવેશ કરશે અને ભાગવાનો માર્ગ કયો રહેશે તે અંગે વિગતવાર આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર ગુનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસમાં ખુલાસો થયો છે કે રાજસ્થાનના કિશન ઉર્ફે કાનો પ્રભુલાલ ગુર્જર અને તેનો ભાઈ લક્ષ્મણ પ્રભુલાલ ગુર્જર સમગ્ર કાવતરાના માસ્ટરમાઈન્ડ હતા. બંને ભાઈઓએ અન્ય ત્રણ સાગરિતોને સાથે રાખીને ચોરીનું આયોજન કર્યું અને પછી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો.
ચોરી બાદ મંદિરને જ ચડાવી માનતા
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આરોપીઓએ ચોરી કરતા પહેલાં એવી માનતા રાખી હતી કે જો તેઓ એક અઠવાડિયા સુધી પોલીસના હાથમાં નહીં આવે તો મંદિર ખાતે ₹10 હજારનો ચડાવો કરશે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે ચોરી બાદ તેઓ એક અઠવાડિયા સુધી ઝડપાયા નહોતા, જેના કારણે તેઓ ફરી મંદિર ખાતે આવી પોતાની માનતા મુજબ ₹10 હજારનો ચડાવો કરીને પરત ફર્યા હતા. ત્યારબાદ તેઓ અલગ-અલગ સ્થળોએ છુપાઈ ગયા હતા.
રાજસ્થાનમાં વેચી દીધા ચાંદીના ઘરેણાં
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ ચોરી કરેલા ચાંદીના ઘરેણાં રાજસ્થાનના ચિત્તોડગઢ વિસ્તારમાં વેચી દીધા હતા અને તેમાંથી મળેલી રકમ અલગ-અલગ રીતે વહેંચી લીધી હતી. પોલીસે અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી અંદાજે બે કિલો ચાંદીની લગડી, એક બોલેરો પિકઅપ વાહન અને પાંચ મોબાઇલ ફોન મળી કુલ ₹8.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બાકીના મુદ્દામાલ તેમજ અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ હજુ ચાલુ છે. સાણંદ પોલીસ સ્ટેશનમાં આ કેસ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 305(એ) અને 331(4) હેઠળ નોંધવામાં આવ્યો છે.
ઈસનપુર ટાયર ચોરીનો પણ ભેદ ઉકેલાયો
પૂછપરછ દરમિયાન આરોપીઓએ વધુ એક મહત્વની કબૂલાત કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ જ ગેંગે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ટાયર ચોરીની ઘટનાનું પણ આયોજન કરીને ગુનો આચર્યો હતો. તે કેસમાં પણ તેમની સંડોવણી સામે આવી છે અને હવે પોલીસે તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓમાં લક્ષ્મણ પ્રભુલાલ ગુર્જર, કિશન ઉર્ફે કાનો પ્રભુલાલ ગુર્જર સહિત કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓ પણ રાજસ્થાનના રહેવાસી હોવાનું અને મજૂરી તેમજ અન્ય કામના બહાને ગુજરાતમાં આવી ગુનાખોરી આચરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ટેક્નિકલ સર્વેલન્સથી મળ્યો મોટો બ્રેકથ્રૂ
અમદાવાદ ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ સાણંદ પોલીસ સ્ટેશનની ટીમે સર્વેલન્સ, ટેક્નિકલ વિશ્લેષણ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી. અગાઉના ગુનાઓમાં ઝડપાયેલા શખ્સોની હિલચાલ, મોબાઇલ ડેટા અને અન્ય ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ આગળ વધારવામાં આવી હતી. પરિણામે સમગ્ર ગેંગ સુધી પહોંચીને પોલીસે મંદિર ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. પોલીસ હવે આરોપીઓના અન્ય ગુનાહિત ઇતિહાસ, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા નેટવર્ક અને અન્ય રાજ્યોમાં થયેલા સમાન ગુનાઓ સાથેના સંબંધોની પણ તપાસ કરી રહી છે.





