Home Gujarat Gujarat Cabinet Rain Relief Ahmedabad Cc Road Decision

અમદાવાદના વરસાદી નુકસાન પર ગુજરાત સરકારનો મોટો નિર્ણય : જાણો કયા કયા મુદ્દે થઈ ચર્ચા, નાગરિકોને શું મળશે?

Gujarat Cabinet
Published by: OBS Bureau
Last Updated: Jul 28, 2026, 11:46 AM IST

Gandhinagar News: રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં તાજેતરના ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ, વીજ પુરવઠાની પુનઃસ્થાપના, અમદાવાદમાં થયેલા નુકસાન, સ્વચ્છતા અભિયાન તેમજ શહેરી વિસ્તારોમાં સિમેન્ટ કોંક્રિટ (સીસી) રસ્તાઓના નિર્માણ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી જીતુ વાઘાણીએ બેઠક બાદ લીધેલા નિર્ણયો અને ચર્ચાની માહિતી આપી હતી.

બેઠકની શરૂઆતમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં જીવ ગુમાવનાર નાગરિકોને કેબિનેટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કુદરતી આપત્તિના કારણે અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે રાજ્ય સરકારે સંવેદના વ્યક્ત કરી હતી.

ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ : વેપારીને છરી બતાવી ₹2 લાખની ખંડણી માગનારા 4 બદમાશોને ઘોઘારોડ પોલીસે દબોચ્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ!

વરસાદી નુકસાનની સમીક્ષા

કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદથી થયેલા નુકસાનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પડેલા અતિભારે વરસાદના કારણે વેપારીઓ, દુકાનદારો અને લારી-ગલ્લા ચલાવતા નાના વેપારીઓને થયેલા આર્થિક નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારે નિર્ણય કર્યો છે કે અમદાવાદમાં પારદર્શક સર્વે હાથ ધરવામાં આવશે અને સર્વેના આધારે નુકસાનનું મૂલ્યાંકન કરીને યોગ્ય સહાય અંગે કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં અગાઉ જે પ્રકારનો ઠરાવ અને રાહત વ્યવસ્થા અમલમાં મુકાઈ હતી, તે જ ધોરણે અમદાવાદ માટે પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.

વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત

ભારે વરસાદ બાદ રાજ્યના 1,997 ગામોમાં વીજ પુરવઠો અસરગ્રસ્ત બન્યો હતો. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર વીજ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કર્યો હતો. આ કામગીરી માટે 3,400થી વધુ વીજ કર્મચારીઓ અને 900થી વધુ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને સમગ્ર કામગીરી પર સતત નજર રાખવા સૂચના આપી હતી.

સાથે જ મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે વરસાદી પરિસ્થિતિમાં રિપેરિંગ કામગીરી માટે મેદાનમાં જતા દરેક વીજ કર્મચારીને જરૂરી તમામ સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે. વિભાગને તમામ પ્રકારના સેફટી ઇક્વિપમેન્ટની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ સૂચના આપવામાં આવી છે.

મહીસાગરમાં મોટી કાર્યવાહી : કડાણાના માલવણ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જોશનાબેન સોલંકી પદભ્રષ્ટ, નાણાકીય ગેરરીતિના આક્ષેપો સાબિત

સ્વચ્છતા અભિયાનને વેગ

કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના આહવાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દર મહિને એક વખત ઓછામાં ઓછો એક કલાક સ્વચ્છતા માટે ફાળવવા અને ખાસ કરીને રવિવારે શ્રમદાન દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના જનપ્રતિનિધિઓ અને સંબંધિત તંત્રને આ અભિયાનને વધુ અસરકારક રીતે આગળ વધારવા માટે જરૂરી આયોજન કરવાની સૂચના આપી હોવાનું જણાવાયું હતું.

નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સીસી રોડ બનાવવાનો નિર્ણય

રાજ્ય સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં આંતરિક રસ્તાઓને તબક્કાવાર સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડમાં રૂપાંતરિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારના જણાવ્યા અનુસાર સીસી રોડનો ખર્ચ સામાન્ય ડામર રસ્તાની સરખામણીએ વધુ હોય છે, તેમ છતાં લાંબા ગાળે ટકાઉપણું, ઓછું જાળવણી ખર્ચ અને નાગરિકોને વધુ સારી સુવિધા મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને આયોજનબદ્ધ રીતે આ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે.

રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં હાઇકોર્ટના મહત્વના આદેશ : CCTV માં નગ્ન હાલતમાં દેખાવા મુદ્દે તપાસનો નિર્દેશ

કોમનવેલ્થ ગેમ્સ અંગે અભિનંદન

બેઠક દરમિયાન કોમનવેલ્થ સાથે સંબંધિત મુદ્દાની પણ નોંધ લેવામાં આવી હતી. ગ્લાસગોમાં યોજાયેલા કોમનવેલ્થ કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં થવાનું છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલા 10 મેડલ બદલ ખેલાડીઓ અને સમગ્ર રમતજગતને કેબિનેટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર કેબિનેટ બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપન, તાત્કાલિક રાહત, જાહેર સુવિધાઓની ઝડપી પુનઃસ્થાપના અને શહેરી માળખાકીય વિકાસને પ્રાથમિકતા આપતા નિર્ણયો લેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પારદર્શક સર્વે પૂર્ણ થયા બાદ અસરગ્રસ્તોને રાહત અને સહાય અંગેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હનીટ્રેપના નામે લૂંટ ચલાવતી ટોળકીનો સાબરકાંઠા પોલીસે કર્યો પર્દાફાશ : બે યુવતીઓ સહિત 10 આરોપીઓ ઝડપાયા


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now