અમદાવાદ શહેરના આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર હિંસક વન્યજીવની હાજરીથી સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. અમદાવાદ નજીક આવેલા મુમતપુર વિસ્તારમાં ફરી એકવાર દીપડાના દેખાવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અગાઉ ઘુમા વિસ્તારની આસપાસ પણ દીપડાની ચહલપહલ નોંધાઈ હતી, ત્યારે હવે મુમતપુરમાં ફરી તેની હાજરી સામે આવતાં લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ મુમતપુર પંથકના સીમ વિસ્તારમાં દીપડો નજરે પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વાઘની દસ્તક! : રતનમહાલ બાદ હવે છોટાઉદેપુરના જંગલોમાં અવરજવરની પુષ્ટિ, વનવિભાગ 17 મહિનાથી રાખી રહ્યું હતું નજર
પગના નિશાન મળતાં હાજરીની પુષ્ટિ
વન વિભાગના અધિકારીઓ અને ટ્રેકર્સ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન વિસ્તારમાંથી દીપડાના પગના નિશાન મળી આવ્યા હતા. પગના નિશાન મળતાં આ વિસ્તારમાં દીપડાની હાજરીની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ વન વિભાગે સમગ્ર વિસ્તાર પર નજર રાખવાની કામગીરી વધુ સઘન બનાવી છે.
દીપડાની હાજરીને ધ્યાનમાં રાખીને વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી છે. પાંજરામાં આકર્ષક ટોપ મૂકીને દીપડાને સુરક્ષિત રીતે પકડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: જામનગર LCBનો મોટો ખુલાસો : પવનચક્કીના કોપર વાયર ચોરી કરનાર ગેંગ ઝડપાઈ
સ્થાનિકોને સાવચેત રહેવાની અપીલ
વન વિભાગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક નાગરિકો, ખેડૂતો અને પશુપાલકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. સીમ વિસ્તારમાં એકલા ન જવું, ખાસ કરીને રાત્રિના સમયે અવરજવર ટાળવી તેમજ કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.
દીપડાને સુરક્ષિત રીતે પકડીને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવા માટે વન વિભાગ સતત પ્રયાસ કરી રહ્યું છે. હાલ સમગ્ર વિસ્તાર પર વન વિભાગની ટીમો નજર રાખી રહી છે અને સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.





