Home Gujarat Jamnagar Lcb Solves Windmill Copper Cable Theft Case

જામનગર LCBનો મોટો ખુલાસો : પવનચક્કીના કોપર વાયર ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

જામનગર LCB ના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jul 29, 2026, 04:12 AM IST

જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB)એ કાલાવડ અને લાલપુર તાલુકા વિસ્તારમાં આવેલા પવનચક્કી ટાવરોમાંથી કોપર અર્થિંગ કેબલ વાયરની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે કુલ રૂ. 1,06,510ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પણ આવી જ પ્રકારની ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની (IPS)ના નિર્દેશ બાદ જિલ્લામાં વણઉકેલાયેલા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અંતર્ગત LCB પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્ત બાતમીદારો અને અન્ય તપાસના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરેડ GIDCમાંથી ચોરીનો માલ મળ્યો

તપાસ દરમિયાન LCBના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર તાલુકાના દરેડ GIDC વિસ્તારમાં આવેલા "અર્જુન મેટલ" નામના કારખાનામાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી કાલાવડ અને લાલપુર વિસ્તારમાં આવેલી પવનચક્કીઓમાંથી ચોરી કરાયેલા કોપર અર્થિંગ કેબલ વાયરના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 'સૈનિકોની જેમ દેશ અને સમાજની રક્ષા કરે છે પત્રકારો' : ઓન ડ્યુટી જીવ ગુમાવનાર પત્રકારોના પરિવારને મળે આજીવન આર્થિક પેકેજ: ઇસુદાન ગઢવી

પોલીસે હાજીભાઈ આદમભાઈ ખફી, અસગરભાઈ યુસુબભાઈ ખફી અને ગુલામહુશેન ઉર્ફે ભભો ગફારભાઈ ખફીની ધરપકડ કરી છે. ઉપરાંત ચોરીનો માલ ખરીદનાર તરીકે બળવંતભાઈ દિલીપભાઈ ગોહીલને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કેસમાં સંડોવાયેલ કાનાભાઈ નામનો આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

રૂ. 1.06 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓના કબજામાંથી આશરે 120 મીટર કોપર વાયરના ટુકડા, એક મોટરસાઇકલ, બે મોબાઇલ ફોન, કટર મશીન અને કેબલ વાયર કાપવા માટે ઉપયોગમાં લેવાતું સાધન મળી કુલ રૂ. 1,06,510નો મુદ્દામાલ કબજે કર્યો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશન અને લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કોપર કેબલ વાયર ચોરીના ગુનાઓ કબૂલ્યા છે. ઉપરાંત અંદાજે એક મહિના અગાઉ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વડાળી ગામની સીમમાં આવેલી ચાર પવનચક્કીઓમાંથી પણ કોપર વાયરની ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આ પણ વાંચો: ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલાં નવું રોટેશન જાહેર : 27 ટકા OBC અનામતથી અનેક નેતાઓની બેઠકોના સમીકરણો વિખેરાયા, જાણો કયા વોર્ડમાં થયો ફેરફાર ?

મુખ્ય આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી હાજીભાઈ આદમભાઈ ખફી સામે અગાઉ પણ કાલાવડ રૂરલ અને લાલપુર પોલીસ સ્ટેશનમાં કોપર વાયર ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. ઉપરાંત વર્ષ 2024માં ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ તેની સામે ગુનો નોંધાયો હતો. આથી આરોપી મિલકત સંબંધિત ગુનાઓમાં અગાઉથી સંડોવાયેલ હોવાની માહિતી મળી છે.

પોલીસ હવે ફરાર આરોપીની શોધખોળ ઉપરાંત જપ્ત કરાયેલા મોબાઇલ ફોન અને અન્ય પુરાવાના આધારે આ ટોળકી અન્ય જિલ્લાઓમાં થયેલી સમાન પ્રકારની ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલી છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.

આ સમગ્ર સફળ કાર્યવાહી LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI એમ.વી. ભાટીયા તથા LCBની વિશેષ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે પાર પાડી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now