Home Gujarat Gujarat Health Employees Federation Internal Dispute Representation

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારી મહાસંઘનો મોટો દાવો : તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ

આરોગ્ય વિભાગના કર્મચારી
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jul 29, 2026, 04:38 AM IST

ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘમાં આંતરિક વિવાદ હવે જાહેર મંચ સુધી પહોંચ્યો છે. મહાસંઘના હોદ્દેદારોએ સંગઠનના સત્તાવાર લેટરપેડના કથિત દુરુપયોગ, અધિકૃતતા વિના પત્રવ્યવહાર અને સમાંતર સંગઠન ચલાવવાના આક્ષેપો સાથે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. મહાસંઘે આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાયદેસર તેમજ શિસ્તભંગની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

મહાસંઘના દાવા મુજબ કેટલાક વ્યક્તિઓ સંગઠનની સત્તાવાર મંજૂરી વિના મહાસંઘના નામે પત્રવ્યવહાર કરી રહ્યા છે તેમજ વિવિધ બેઠકો યોજીને કર્મચારીઓમાં ગેરસમજ ફેલાવી રહ્યા છે. રજૂઆતમાં ખાસ કરીને જગદીશ પ્રજાપતિ અને અન્ય કેટલાક વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરીને તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, આ આક્ષેપો અંગે સંબંધિત પક્ષનો પ્રતિસાદ હજુ સુધી જાહેર થયો નથી.

આ પણ વાંચો: જામનગર LCBનો મોટો ખુલાસો : પવનચક્કીના કોપર વાયર ચોરી કરનાર ગેંગ ઝડપાઈ

ઉચ્ચ અધિકારીઓને રજૂઆત, તપાસની માંગ

આ મામલે મહાસંઘે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ, વિકાસ કમિશનર, ગુજરાતના પોલીસ મહાનિર્દેશક સહિત રાજ્યના અન્ય ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે સંગઠનના નામે કથિત રીતે ખોટી અને ગેરબંધારણીય રજૂઆતો કરવામાં આવી રહી છે, જેના કારણે સરકાર અને આરોગ્ય કર્મચારીઓ વચ્ચે ગેરસમજ ઊભી થવાની સ્થિતિ સર્જાઈ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વાઘની દસ્તક! : રતનમહાલ બાદ હવે છોટાઉદેપુરના જંગલોમાં અવરજવરની પુષ્ટિ, વનવિભાગ 17 મહિનાથી રાખી રહ્યું હતું નજર

આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો પણ ઉઠાવાયા

આંતરિક વિવાદ ઉપરાંત મહાસંઘે રાજ્યના 33 જિલ્લાઓમાં ફરજ બજાવતા પંચાયત આરોગ્ય કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો પણ સરકાર સમક્ષ રજૂ કર્યા છે. મહાસંઘે જણાવ્યું છે કે MPHW, FHW, MPHS, FHS તેમજ વિવિધ ટેક્નિકલ કેડરના કર્મચારીઓના ગ્રેડ-પે અને પગાર માળખામાં સુધારા કરવાની જરૂર છે.

રજૂઆતમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે અન્ય ઘણા રાજ્યોની સરખામણીએ ગુજરાતના આરોગ્ય કર્મચારીઓને ઓછો ગ્રેડ-પે મળતો હોવાથી પગારની અસમાનતા સર્જાઈ રહી છે. આ મુદ્દે રાજ્ય સરકાર યોગ્ય અભ્યાસ કરીને કર્મચારીઓને ન્યાય મળે તેવા નિર્ણયો લે તેવી માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના લીમડીમાં જોડીયા હનુમાનજી મંદિરમાં ચોરી : પૂજારીની ઓરડીમાં જઈ સામાન પણ સળગાવાયો

સરકાર સમક્ષ બેવડી માંગ

મહાસંઘે સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. પ્રથમ, મહાસંઘના નામના કથિત દુરુપયોગ અને સમાંતર સંગઠન સંબંધિત સમગ્ર વિવાદની નિષ્પક્ષ તપાસ કરીને જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય તો તેની સામે કાયદેસર, ખાતાકીય અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓના લાંબા સમયથી બાકી રહેલા સેવા અને પગાર સંબંધિત પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે.

આ સમગ્ર મુદ્દે હવે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગો કઈ કાર્યવાહી કરે છે તેના પર આરોગ્ય કર્મચારીઓ તેમજ સંગઠનના સભ્યોની નજર મંડાઈ છે. સાથે જ આક્ષેપો સામે નામજોગ વ્યક્તિઓનો પ્રતિસાદ સામે આવે તે પણ મહત્વપૂર્ણ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now