Home Gujarat Palanpur Kharodiya Bus Rickshaw Fatal Accident

બનાસકાંઠામાં કાળમુખી સવાર! : પાલનપુર નજીક ખરોડિયા પાસે બસ અને રીક્ષા વચ્ચે ભીષણ અકસ્માત, 3 ના મોત

અકસ્માત ગ્રસ્ત બસ અને રિક્સા
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jul 29, 2026, 05:24 AM IST

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ખરોડિયા ગામ પાસે બુધવારે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વડગામ તરફથી આવી રહેલી એક રીક્ષા અને બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બસ અને રીક્ષા વચ્ચેની ટક્કર એટલી પ્રચંડ હતી કે રીક્ષાનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતના અવાજથી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વાઘની દસ્તક! : રતનમહાલ બાદ હવે છોટાઉદેપુરના જંગલોમાં અવરજવરની પુષ્ટિ, વનવિભાગ 17 મહિનાથી રાખી રહ્યું હતું નજર

ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા

સ્થાનિક લોકો અને ઇમરજન્સી સેવાઓની મદદથી ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાથી તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

અકસ્માતની જાણ થતાં જ પાલનપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતના કારણોની તપાસ શરૂ

અકસ્માત બાદ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાતા પોલીસે વાહનવ્યવહારને ફરી શરૂ કરાવવા માટે કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ માર્ગને ખુલ્લો કરાવી ટ્રાફિક વ્યવસ્થિત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી દીપડાની દહેશત! : મુમતપુર વિસ્તારમાં પગના નિશાન મળતા વન વિભાગ સતર્ક

પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેમાં કોઈ બેદરકારી જવાબદાર હતી કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. મૃતકોની ઓળખ અને અકસ્માતના ચોક્કસ કારણો અંગેની વધુ વિગતો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સામે આવે તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now