સુરત શહેરમાં વધુ એક બાળકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. અડાજણ વિસ્તારમાં રહેતા 11 વર્ષીય બાળકનો મૃતદેહ આજે વહેલી સવારે તાપી નદીના કિનારેથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે બાળકનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો, જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની તપાસ શરૂ કરી છે.
મૃતક બાળકની ઓળખ શેરુ રામસિંગ સાઉદ (ઉંમર 11) તરીકે થઈ છે. બાળકનો પરિવાર મૂળ નેપાળનો વતની હોવાનું અને હાલ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. બાળકના પિતા સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.
ગાર્ડનમાં રમવા ગયો બાદ ગુમ થયો હતો
પરિવારના જણાવ્યા અનુસાર, શેરુ બે દિવસ પહેલાં નજીકના ગાર્ડનમાં રમવા ગયો હતો. જોકે લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી. પરિવારે સગા-સંબંધીઓ તથા આસપાસના વિસ્તારોમાં વ્યાપક શોધખોળ કરી હતી. તેમ છતાં બાળકનો કોઈ પત્તો ન લાગતાં પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. દરમિયાન આજે વહેલી સવારે તાપી નદીના કિનારે એક બાળકનો મૃતદેહ હોવાની માહિતી મળતાં પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માત : ટ્રકમાં પાછળથી ઘૂસી કાર, 4 લોકોના મોત, બાળકનો ચમત્કારિક બચાવ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે મોતનું કારણ સ્પષ્ટ
ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે જરૂરી પંચનામું અને અન્ય કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ બાળકનું મોત તાપી નદીમાં ડૂબી જવાથી થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે અકસ્માત, અન્ય કોઈ સંજોગો કે અન્ય તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સ્થાનિક વિસ્તારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.





