Home Gujarat Junagadh Majevadi Car Truck Accident Four Dead

જૂનાગઢમાં ગમખ્વાર અકસ્માત : ટ્રકમાં પાછળથી ઘૂસી કાર, 4 લોકોના મોત, બાળકનો ચમત્કારિક બચાવ

મૃતકોની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jul 11, 2026, 04:48 AM IST

Junagadh News: જૂનાગઢ જિલ્લામાં મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર શનિવારે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતમાં એક બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થતાં સ્થાનિકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના એક પરિવાર અર્ટિગા કારમાં સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યો હતો. પરિવાર જૂનાગઢ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે મજેવડી ગામ નજીક ફોર ટ્રેક રોડ પર માર્ગની બાજુમાં બંધ હાલતમાં ઉભેલી ટ્રક સાથે કાર પાછળથી ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અથડામણનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

4 લોકોના ઘટનાસ્થળે જ મોત

અકસ્માતની ગંભીરતા એટલી વધુ હતી કે કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. કારમાં બેઠેલા અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને પોલીસ તેમજ 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ મળતા પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ ઘાયલોને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગિરનાર પર ગોઝારી ઘટના : 50માં પગથિયેથી સિંહે 11 વર્ષના બાળકને ઉપાડ્યું, પ્રવાસીઓ માટે ગિરનાર અનિશ્ચિતકાળ માટે બંધ

2 ઈજાગ્રસ્તો ICUમાં સારવાર હેઠળ

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ ચાર ઘાયલોમાંથી બે વ્યક્તિઓની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવામાં આવ્યા છે. તબીબોની ટીમ તેમની સતત સારવાર કરી રહી છે, જ્યારે અન્ય બે ઘાયલોની પણ સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં એક બાળકનો સુરક્ષિત બચાવ થયો છે. બાળકને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને તેની તબીબી તપાસ બાદ જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

સોમનાથ યાત્રા દરમિયાન સર્જાઈ દુર્ઘટના

માહિતી મુજબ પરિવાર ધાર્મિક વિધિ અંતર્ગત સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યો હતો. પરંતુ રસ્તામાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર પરિવારને શોકમાં ગરકાવ કરી દીધો છે. એક જ અકસ્માતમાં પરિવારના ચાર સભ્યોના મોત થતાં બનાસકાંઠા જિલ્લામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ટ્રકના પાછળના ભાગમાં ઊંડે સુધી ઘૂસી ગઈ હતી. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બચાવ કામગીરીમાં મદદ કરી હતી.

આ પણ વાંચો: રિપોર્ટ આવે તે પહેલાં જ દુઃખદ ઘટના : ચાંદીપુરાના લક્ષણો ધરાવતી 2 વર્ષની બાળકીનું મોત

અકસ્માતના કારણોની તપાસ શરૂ

જૂનાગઢ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં માર્ગ પર બંધ હાલતમાં ઉભેલી ટ્રકમાં કાર પાછળથી અથડાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે ટ્રક રસ્તા પર શા માટે ઉભી હતી, જરૂરી ચેતવણીના નિશાન મૂકવામાં આવ્યા હતા કે નહીં અને અકસ્માત માટે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે અને ટ્રકના ચાલક સહિત સંબંધિત લોકોના નિવેદનો પણ લેવામાં આવશે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

માર્ગ સુરક્ષા અંગે ફરી ઉઠ્યા પ્રશ્નો

આ અકસ્માત બાદ હાઇવે અને ફોર ટ્રેક રોડ પર બંધ પડેલા વાહનોને લઈને સુરક્ષાના મુદ્દે ફરી પ્રશ્નો ઊભા થયા છે. નિષ્ણાતોના મતે જો માર્ગ પર કોઈ વાહન બંધ પડે તો પાછળથી આવતા વાહનોને ચેતવણી મળે તે માટે રિફ્લેક્ટર, ચેતવણી ત્રિકોણ અથવા અન્ય સુરક્ષા વ્યવસ્થા ફરજિયાત ગોઠવવી જોઈએ. આવી બેદરકારી અનેક વખત જીવલેણ અકસ્માતોનું કારણ બની શકે છે. પોલીસે વાહનચાલકોને ખાસ કરીને હાઇવે પર નિર્ધારિત ઝડપ જાળવવા, આગળના વાહનથી પૂરતું અંતર રાખવા અને રાત્રિ કે વહેલી સવારના સમયે વધુ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now