સુરત: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. આ બેઠકમાં દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ તથા ગુજરાતના શહેરી વિકાસ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહિત અનેક પદાધિકારીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરોનો સર્વગ્રાહી આર્થિક અને સામાજિક વિકાસ તથા સ્માર્ટ અને સસ્ટેનેબલ સિટી ડેવલપમેન્ટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના સંકલ્પનો મજબૂત પાયો છે.
2005થી શરૂ થયેલું શહેરી વિકાસનું વિઝન
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શહેરીકરણના પડકારોને અવસરમાં પલટાવીને ગુજરાતમાં આધુનિક શહેરી વિકાસ મોડલની શરૂઆત 2005માં શહેરી વિકાસ વર્ષથી કરી હતી. આના પરિણામે વેલ પ્લાન્ડ સિટી ડેવલપમેન્ટ માટે મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળ્યો હતો. 2005ના શહેરી વિકાસ વર્ષની બે દાયકાની સફળતાને પગલે રાજ્ય સરકારે 2025ને પણ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યું છે, જેનાથી શહેરોની સ્વચ્છતા અને ભવિષ્યલક્ષી વિકાસમાં નવી ગતિ આવી છે.
સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના
મુખ્યમંત્રીએ ગુજરાતના શહેરી વિકાસના પ્રયાસોની વિગતવાર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપનથી શહેરોના સર્વગ્રાહી વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની શરૂઆત પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં કરવામાં આવી છે. આ યોજનામાં ભૌતિક સુવિધાઓ, સામાજિક આંતરમાળખાકીય સવલતો સાથે અર્બન ગ્રીન મોબિલિટી અને મુખ્યમંત્રી શહેરી સડક યોજનાને પ્રાથમિકતા આપવાથી લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થયો છે.

અર્બન ટ્રાન્સપોર્ટ અને આઈકોનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ગુજરાતે દેશને શહેરી ક્ષેત્રે BRTS જનમાર્ગ અને ઇ-સિટી બસ સેવાઓનું સફળ મોડલ આપ્યું છે. PM મોદીના માર્ગદર્શનમાં અર્બન ટ્રાન્સફોર્મેશનમાં અનેક આઇકોનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થયું છે, જેમાં સુરત ડાયમંડ બુર્સ અને રિવરફ્રન્ટ ગૌરવના પ્રતીક બન્યા છે.
નાના શહેરોના વિકાસ પર ભાર
વધુમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, PM મોદીના ઇન્ક્લુઝિવ ગ્રોથના વિચારને સાકાર કરવા નાના શહેરોનો વિકાસ પણ વેગવંતો બનાવવામાં આવ્યો છે. રાજ્યમાં નવ મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી છે અને મોટા મહાનગરોની મહાનગરપાલિકાઓએ આ નવી મહાનગરપાલિકાઓનું હેન્ડ હોલ્ડિંગ કરીને સર્વગ્રાહી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે. આ સિવાય મુખ્યમંત્રીએ 2047 સુધી વિકસિત ભારતના PM મોદીના ધ્યેયને પૂર્ણ કરવા ગુજરાતને અગ્રેસર રાખવા અર્નિંગ વેલ-લિવિંગ વેલ મંત્ર સાથે વિકસિત ગુજરાત @2047ના રોડમેપની પણ વાત કરી હતી.

મહાનુભાવો, અધિકારીઓ અને પદાધિકારીઓએ આપી હતી હાજરી
આ પ્રસંગે શહેરી વિકાસ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જળ વ્યવસ્થાપન, સ્વચ્છતા, શિક્ષણ, આવાસ, સુએઝ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં કામ કરીને સુસંચાલિત નગર આયોજન કરી શકાય તેવું પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ગુજરાતે 48 ટકા શહેરીકરણ હાંસલ કર્યું છે અને 2047 સુધી 75 ટકાના લક્ષ્યાંક તરફ ઝડપભેર આગળ વધી રહ્યું છે તેમ જણાવ્યું હતું. અખિલ ભારતીય મેયર્સ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ રેણુબાલા ગુપ્તાએ ગુજરાતને વિકાસનું રોલ મોડલ ગણાવ્યું હતું. જ્યારે મહામંત્રી આશુતોષભાઈએ પરિષદના કાર્યો અને ઉદ્દેશો વિશે વાત કરી હતી. સુરત મેયર દક્ષેશભાઈ માવાણીએ પણ આ પ્રસંગે સુરતની સ્વચ્છતા, જળ વ્યવસ્થાપન અને સ્વચ્છ વાયુમાં મળેલા રાષ્ટ્રીય પુરસ્કારોનો ઉલ્લેખ કરી સુરતને અન્ય શહેરો માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે,આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો, પૂર્વમંત્રી દર્શનાબેન જરદોશ, સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ, કલેક્ટર સૌરભ પારધી સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






