Home Gujarat Surat Surat Local Body Election Security Police Arrangement 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરતમાં તંત્ર સજ્જ : 9 હજાર જવાનોનો લોખંડી બંદોબસ્ત

surat local body election
Published by: Viral Patel
Last Updated: Apr 24, 2026, 03:08 PM IST

Surat News: સુરતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે યોજાયેલી એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાએ ચૂંટણીલક્ષી આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી.

નિષ્પક્ષ અને પારદર્શક મતદાનનો સંકલ્પ

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારગીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ છે. આ વખતે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગડબડ ન થાય તે માટે આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. તેમણે સુરતના નાગરિકોને કોઈપણ ડર વગર નિર્ભય બનીને મતદાન કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો: સુરતમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગનો ભાંડાફોડ : ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સથી આરોપીઓ ઝડપ્યા!

સુરક્ષા વ્યવસ્થા: લોખંડી પોલીસ બંદોબસ્ત

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢવીયાની હાજરીમાં સુરક્ષા વ્યવસ્થાનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાય તે માટે 9,000 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. ચૂંટણી પ્રક્રિયાના સુપરવિઝન માટે 22 ACP, 104 PI, અને 225 PSI સહિતના અધિકારીઓ કાર્યરત રહેશે. શહેરના વિવિધ વિસ્તારોમાં 565 ફોર વ્હીલ વાહનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ અને SOG સહિતની કુલ 50 સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે.

સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર

તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યાં વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 125 પોલીસ વીડિયો કેમેરા અને બોડી વોર્ન કેમેરા દ્વારા મતદાન પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવામાં આવશે. શહેરમાં 10 ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે અને કોઈપણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા 36 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) તૈનાત રહેશે.

આ પણ વાંચો: Surat Crime News : કોર્ટમાં પાસપોર્ટ જમા હોવા છતાં નકલી પુરાવા બનાવી ફોરેન ટૂર પર ઉપડ્યું કપલ, જાણો પોલીસે કઈ રીતે ઝડપ્યાં

ગુનેગારો સામે કડક કાર્યવાહી

ચૂંટણીમાં ખલેલ પહોંચાડી શકે તેવા તત્વો સામે પોલીસે અગાઉથી જ લાલ આંખ કરી છે. ચૂંટણીલક્ષી ગુનાખોરી રોકવા માટે અત્યાર સુધીમાં 83 લોકો સામે પાસા (PASA),30 સામે તડીપાર, અને અંદાજે 14 હજાર જેટલા શંકાસ્પદ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી શાંતિપૂર્ણ અને લોકશાહીના મૂલ્યો જળવાય તે રીતે પૂર્ણ થાય તે માટે સુરત પ્રશાસન સંપૂર્ણ રીતે કટિબદ્ધ દેખાઈ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now