Surat Fire Tragedy: સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક રહેણાક મકાનમાં લાગેલી ભીષણ આગે એક હસતા-રમતા પરિવારને વેરવિખેર કરી દીધો છે. મકાનમાં રાખવામાં આવેલા અંદાજે 8 થી 10 ટન સાડીના મટિરિયલ અને ફોર્મ શીટમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ગૂંગળામણને લીધે 4 મહિલાઓ અને એક 4 વર્ષના માસૂમ બાળક સહિત કુલ 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લિંબાયત વિસ્તારમાં માતમનો માહોલ છવાયો છે.
શોર્ટ સર્કિટથી તણખાં ઝર્યા અને જોતજોતામાં ધુમાડાનું સામ્રાજ્ય છવાયું
પ્રાપ્ત માહિતી અનુસાર, લિંબાયતના આ મકાનમાં સાડીઓનું જોબવર્ક ચાલતું હતું, જેના કારણે ઘરમાં મોટી માત્રામાં સાડીઓ, પેકિંગ માટેની ફોર્મ શીટ અને કેમિકલ યુક્ત મટિરિયલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થવાથી તણખાં ઝર્યા હતા, જે સીધા ફોર્મ શીટ પર પડ્યા હતા. આ ફોર્મ શીટ કેમિકલયુક્ત હોવાથી તેમાંથી ઝેરી અને કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. મકાન સાંકડું હોવાથી અને માલ-સામાનના ઢગલા વચ્ચે હવાની અવરજવર ન હોવાને કારણે ઘરમાં હાજર સભ્યો બહાર નીકળી શક્યા નહોતા અને ઝેરી ધુમાડામાં ગૂંગળાઈ જવાથી પાંચેયના મોત થયા હતા.

મૃતકોની યાદી: એક જ પરિવારના પાંચ સભ્યો કાળનો કોળિયો બન્યા
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કમનસીબ સભ્યોની ઓળખ નીચે મુજબ થઈ છે:
શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (65 વર્ષ)
શબીનાં રમઝાન અલી અંસારી (28 વર્ષ)
પરવીન અબ્દુલ કલામ અંસારી (19 વર્ષ)
હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (18 વર્ષ)
શુભાન રમઝાન અલી અંસારી (4 વર્ષ - માસૂમ બાળક)
ઘરમાં ચાલવાની પણ જગ્યા નહોતી: તંત્ર અને નેતાઓ દોડી આવ્યા
ઘટનાની ગંભીરતાને જોતા લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ, પૂર્વ મેયર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત જેસીપી બલરામ મીણા પણ સ્થળ પર પહોંચ્યા હતા. પૂર્વ મેયરે વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, "મકાનમાં અંદાજે 10 ટન જેટલો સાડીઓનો જથ્થો ખડકાયેલો હતો, ઘરમાં ચાલવાની પણ જગ્યા નહોતી." ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, ઘરમાં ગેસના બે બાટલા પણ હતા, જોકે સદનસીબે તેમાં બ્લાસ્ટ ન થતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ સાડીના માલ-સામાન અને ફોર્મ શીટની આગ જ જીવલેણ સાબિત થઈ હતી.
ફાયર વિભાગની જહેમત અને પોલીસ તપાસ
ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને મકાનમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આખી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને એફએસએલ (FSL) ની મદદથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ તેજ કરી છે. રહેણાક વિસ્તારોમાં આ પ્રકારે મોટા પાયે જોબવર્ક અને મટિરિયલના સંગ્રહ સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.




