દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તેઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પ્રશાસન સાથે સંકલન કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીનું માર્ગદર્શન આપી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ભારે વરસાદ દરમિયાન પ્રશાસન, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આખી રાત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી હાથ ધરી હતી. મોડી રાત્રે પણ વિવિધ ટીમોએ પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ચાલુ રાખી હતી.
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! અમદાવાદમાં અંડરપાસ બંધ: કરજણ ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડાશે
ચીખલી ગામના 31 લોકોનું સ્થળાંતર
મંત્રીના કાર્યાલયના જણાવ્યા મુજબ કામરેજ તાલુકાના ચીખલી ગામના સિંગોડી ફળિયામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા કુલ 31 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તેમાં 18 લોકોને નજીકની શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે, જ્યારે 13 લોકો તેમના સગા-સંબંધીઓના ઘરે સુરક્ષિત રીતે રહે છે. સ્થળાંતર કરાયેલા તમામ લોકો માટે સવારે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
તે ઉપરાંત વેલંજા પ્રાથમિક શાળામાં રાજીવનગર અને રામકિશન કોલોનીમાંથી સ્થળાંતર કરાયેલા અંદાજે 100થી 110 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. ત્યાં રહેવા, ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે.
અમદાવાદમાં તૂટી પડ્યો વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિકજામ: વાસણા બેરેજના 6 ગેટ ખોલાયા, અંડર પાસ બંધ કરાયા; મેયર સહિત ઉચ્ચઅધિકારીઓ કન્ટ્રોલરૂમમાં
પ્રશાસન અને સ્થાનિક ટીમોનું સંકલન
મંત્રીના કાર્યાલયના જણાવ્યા અનુસાર કામરેજ તાલુકા પંચાયતના અધ્યક્ષ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, સ્થાનિક કોર્પોરેટરો, ભાજપના કાર્યકર્તાઓ તેમજ પ્રશાસનની વિવિધ ટીમોએ સંકલન સાથે રાહત અને બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો. અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે રાતભર કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
પ્રફુલ પાનશેરીયા સતત જિલ્લા પ્રશાસન સાથે સંપર્કમાં રહીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને જ્યાં જરૂરિયાત ઉભી થાય ત્યાં તાત્કાલિક મદદ પહોંચે તે માટે માર્ગદર્શન આપી રહ્યા હોવાનું તેમના કાર્યાલયે જણાવ્યું છે.
અમદાવાદમાં આકાશી આફત: કંટ્રોલરૂમથી નજર રાખે છે મેયર-મ્યુનિસિપલ કમિશ્નર: વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા, 8 અંડરપાસ બંધ, શહેરમાં 15 જગ્યાએ પાણી ભરાયા
અફવાઓથી દૂર રહેવા અપીલ
ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે. તેમણે લોકોને જિલ્લા પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા તેમજ કોઈપણ પ્રકારની આપત્તિ અથવા મદદની જરૂરિયાત હોય તો તાત્કાલિક સ્થાનિક પ્રશાસન અથવા નિયંત્રણ કક્ષાનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. પ્રશાસન દ્વારા લોકોને સતર્ક રહેવા અને સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી રહી છે.






