Home Gujarat Ahmedabad Ahmedabad Heavy Rain Vasna Barrage 8 Underpass Closed 15 Waterlogging Locations

અમદાવાદમાં આકાશી આફત: કંટ્રોલરૂમથી નજર રાખે છે મેયર-મ્યુનિસિપલ કમિશ્નર : વાસણા બેરેજના 15 દરવાજા ખોલાયા, 8 અંડરપાસ બંધ, શહેરમાં 15 જગ્યાએ પાણી ભરાયા

Ahmedabad Rainfall Updates
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Jul 23, 2026, 07:06 AM IST

Ahmedabad Rainfall Updates: અખબારનગરથી શાહીબાગ અને ઉસ્માનપુરા સુધી અંડરપાસ પાણીમાં ગરકાવ, સવારે 11:50 વાગ્યે AMCએ જાહેર કરી વોટરલોગિંગની યાદી જાહેર કરવામાં આવી છે.

અમદાવાદમાં સતત અને ભારે વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. શહેરમાં વરસાદી પાણીનો પ્રવાહ વધતા વાસણા બેરેજના 15 દરવાજા સંપૂર્ણપણે ખોલવાની ફરજ પડી છે. બીજી તરફ, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાતા અખબારનગર, મકરબા, મીઠાખળી, શાહીબાગ, પરીમલ, ઉસ્માનપુરા, જલારામ અને નિર્ણયનગર સહિત કુલ 8 અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સવારે 11:50 વાગ્યાની સ્થિતિ મુજબ જાહેર કરાયેલી યાદી અનુસાર શહેરના 15 સ્થળોએ વોટરલોગિંગ નોંધાયું છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા અને દૈનિક જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. વાસણા બેરેજમાં પાણી 129.50 સપાટી પર પહોંચ્યું.

AMC દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ હનુમાનપુરા BRTS, અખબારનગર અન્ડરપાસ, સાહિબાગ અન્ડરપાસ, જૂના વાડજ BRTS, મેમનગર BRTSથી જયમંગલ BRTS માર્ગ, માણેકબાગ BRTS, કર્ણાવતી ક્લબ BRTS, સરખેજ સર્કલ, સ્વામિનારાયણ કોલેજ BRTS, છીપા સોસાયટી BRTS, ઝાંસી કી રાણી BRTS, સાયન્સ સિટી એપ્રોચ BRTS, અરવિંદ મિલ BRTS, મુકેશ ઇન્ડસ્ટ્રીઝ BRTS અને પારશ્વનાથ જૈન મંદિર સર્વિસ રોડ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ નોંધાઈ છે.



આ પણ વાંચોઃ ભારે વરસાદ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની કાર્યકરોને અપીલ : 'સેવા હી સંગઠન'ના મંત્ર સાથે અસરગ્રસ્તોની મદદે આવો

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અસર

AMCની યાદી અનુસાર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ પાંચ સ્થળોએ પાણી ભરાયા છે. તેમાં અખબારનગર અન્ડરપાસ, જૂના વાડજ BRTS, મેમનગર BRTSથી જયમંગલ BRTS માર્ગ, ઝાંસી કી રાણી BRTS અને પારશ્વનાથ જૈન મંદિર સર્વિસ રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાઉથ-વેસ્ટ ઝોનમાં કર્ણાવતી ક્લબ BRTS, સરખેજ સર્કલ અને સાયન્સ સિટી એપ્રોચ BRTS વિસ્તારમાં પણ વોટરલોગિંગ નોંધાયું છે.

સેન્ટ્રલ ઝોનમાં હનુમાનપુરા BRTS અને સાહિબાગ અન્ડરપાસ, સાઉથ ઝોનમાં સ્વામિનારાયણ કોલેજ BRTS, છીપા સોસાયટી BRTS અને મુકેશ ઇન્ડસ્ટ્રીઝ BRTS તેમજ નોર્થ ઝોનમાં અરવિંદ મિલ BRTS વિસ્તારમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર Live 23 July 2026 : દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, અમદાવાદમાં પણ આકાશી આફત, મુખ્યમંત્રીએ ઈમરજન્સી સેન્ટર પરિસ્થિતિનો તાગ મેળવ્યો

8 અંડરપાસ બંધ થતાં ટ્રાફિક પર મોટી અસર

ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય અંડરપાસોમાં પાણી ભરાઈ જતાં અખબારનગર, મકરબા, મીઠાખળી, શાહીબાગ, પરીમલ, ઉસ્માનપુરા, જલારામ અને નિર્ણયનગર અંડરપાસ તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેના કારણે અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને વાહનચાલકોને વિકલ્પ માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

વાસણા બેરેજના દરવાજા ખોલાતા તંત્ર એલર્ટ

ઉપરવાસમાંથી પાણીની આવક અને સતત વરસાદને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના તમામ 6 દરવાજા સંપૂર્ણપણે ખોલવામાં આવ્યા છે. જેના કારણે નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે ત્યાં રાહત તથા પાણી નિકાલની કામગીરી તેજ કરવામાં આવી રહી છે.

નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

વરસાદની સ્થિતિ યથાવત રહેતાં વધુ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. AMC અને ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ અને બંધ અંડરપાસ તરફ ન જવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now