અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ અને સાબરમતી નદીના જળસ્તર પર નજર રાખવા માટે વાસણા બેરેજના ત્રણ ગેટ સંપૂર્ણપણે ખોલવામાં આવ્યા છે. વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અખબારનગર, મીઠાખળી સહિત ત્રણ અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
શહેરમાં વરસાદની સ્થિતિ ગંભીર બનતાં અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર ટાગોર કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. અહીંથી તેઓ શહેરની વરસાદી સ્થિતિ, પાણી ભરાવાના વિસ્તારો, ડ્રેનેજ સિસ્ટમ અને રાહત કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. વિવિધ ઝોનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે.
પશ્ચિમ અમદાવાદમાં સૌથી વધુ વરસાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સવારે 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા મુજબ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સરખેજ વિસ્તારમાં 48 મિમી, બોપલમાં 50.50 મિમી, બોડકદેવમાં 46 મિમી, જોધપુર ઝોનમાં 43.50 મિમી, થલતેજમાં 33 મિમી અને સાયન્સ સિટીમાં 29.50 મિમી વરસાદ નોંધાયો છે. સવારે 10 વાગ્યા સુધી શહેરની સરેરાશ વરસાદની માત્રા 14.01 મિમી નોંધાઈ છે.
વાસણા બેરેજમાંથી પાણી છોડાયું
ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના ત્રણ ગેટ સંપૂર્ણ ખોલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા અને નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.શહેરના અખબારનગર, મીઠાખળી અને અન્ય એક અંડરપાસમાં પાણી ભરાતા તેને તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : ઉમરગામમાં 24 કલાકમાં 906 મિમી વરસાદ, વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ
તંત્ર એલર્ટ મોડમાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ ટીમો અને ઇમરજન્સી સ્ટાફને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. ટાગોર કંટ્રોલ રૂમથી સમગ્ર શહેરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવામાં આવશે.
વરસાદ ચાલુ રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.





