ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ઉમરગામમાં 24 કલાકમાં 906 મિમી વરસાદ, વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ


અમદાવાદ શહેરમાં તૂટી પડેલા મુશળધાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાતાં ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. સાવચેતીના ભાગરૂપે મકરબા, અખબારનગર અને મીઠાખળી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયા છે તેમજ વાસણા બેરેજના ૬ ગેટ ખોલવામાં આવ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાતાં નોકરિયાત વર્ગ અને વાહનચાલકો અટવાયા છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ કંટ્રોલ રૂમથી સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
ગુજરાત સરકારે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)ના આધુનિકીકરણ માટે વ્યાપક કામગીરી હાથ ધરી છે. શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ માહિતી આપી કે રાજ્યમાં હાલ ૧૭૭ માળખાકીય પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ છે અને વર્ષ ૨૦૨૬-૨૭માં વધુ ૧૧૪ નવા પ્રોજેક્ટ્સ શરૂ થશે. બદલાતા ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનોને 'ન્યુ એઈજ' કૌશલ્ય તાલીમ આપવા માટે રોડમેપ તૈયાર કરાયો છે. મંત્રીશ્રીએ તમામ કામગીરી ગુણવત્તા સાથે સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપ્યા છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાડ ફળિયામાં પાણી ભરાતાં તંત્ર દ્વારા ૧૧ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. બીજી તરફ, પંચમહાલના જાંબુઘોડાથી બોડેલી જતા મુખ્ય હાઇવે પર ખાખરીયા ગામ નજીકના નાળામાં પાણીનો ભારે પ્રવાહ આવી જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. મુસાફરોની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ પર તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૪૮ કલાકમાં કપરાડામાં સૌથી વધુ ૪૫ ઇંચ, ઉમરગામમાં ૪૨ ઇંચ અને નાનાપોંઢામાં ૩૭ ઇંચ ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો ઉમરગામમાં ૩૬ ઇંચ, કપરાડામાં ૨૯ ઇંચ, નાનાપોંઢામાં ૨૫.૩૧ ઇંચ, ધરમપુરમાં ૨૦ ઇંચ અને પારડીમાં ૧૮ ઇંચ વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
બોટાદના બરવાળા તાલુકાના કુંડળ ગામે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૨ વર્ષના બાળકનું ભાવનગર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભયનો માહોલ છવાયો છે. બીજી તરફ, ઘટના બાદ પણ આરોગ્ય તંત્ર કુંડળ ગામે ન પહોંચતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામે ઠેર-ઠેર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લોકોએ તાત્કાલિક બાળ ચેકઅપ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવા માંગ કરી છે.
રાજ્યના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની ગંભીર પરિસ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત-બચાવ કામગીરી માટે તાત્કાલિક પગલાં ભર્યા છે. તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી નરેશ પટેલ અને ઉચ્ચ સચિવોને અસરગ્રસ્ત જિલ્લાઓમાં વહીવટી તંત્રની મદદ અર્થે રવાના કર્યા છે. આ ઉપરાંત, હવામાન વિભાગ દ્વારા જે જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, ત્યાં પણ પ્રભારી સચિવોને તુરંત પહોંચી જવા આદેશ આપવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ ૪૭ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ૨૩ જુલાઈની સવારની સ્થિતિ મુજબ આ રસ્તાઓ પ્રભાવિત થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતી માટે જરૂરી પગલાં લઈને બંધ પડેલા રસ્તાઓ વહેલી તકે પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેતી રાખવા અને સૂચનાઓનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની ગંભીર પરિસ્થિતિને પગલે વહીવટી તંત્રે ૨૩ જુલાઈએ તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. શ્રમયોગીઓની સુરક્ષા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને તમામ કામદારોને સુરક્ષિત ઘરે પહોંચાડવા આદેશ કરાયો છે. તંત્રે માત્ર આવશ્યક સેવાઓ માટે ન્યૂનતમ સ્ટાફ રાખવા અને જોખમી રસાયણો તથા મશીનરીની સલામતી માટે જરૂરી તકેદારીના પગલાં લેવા તમામ સંચાલકોને કડક સૂચના આપી છે.
હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આશંકાને પગલે સુરક્ષાના ભાગરૂપે ૨૩ જુલાઈએ પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આગાહી મુજબ, આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.



