Home Gujarat Surat Surat Heavy Rain Alert Smc Night Warning July

સુરતમાં રાત્રે 11થી વહેલી સવારે 4 વાગ્યા સુધી અતિ ભારે વરસાદની સંભાવના : નાગરિકોને વહેલા ઘરે પહોંચવાની અપીલ

ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત શહેરમાં પાણી ભરાયેલા રસ્તા અને એલર્ટ પર તંત્ર.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 22, 2026, 02:02 PM IST

સુરત: હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત શહેરમાં મોડી રાત્રે અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સંભવિત ગંભીર વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સમયસર ઘરે પહોંચી જવાની અપીલ કરવામાં આવી છે. મનપાએ જાહેર કરેલી સૂચના મુજબ શહેરના લોકો શક્ય હોય તો રાત્રે 9 વાગ્યા સુધી પોતાના ઘરે પહોંચી જાય અને રાત્રે 9:30 વાગ્યા બાદ કોઈપણ કારણસર ઘરની બહાર ન નીકળે. ખાસ કરીને રાત્રે 11 વાગ્યાથી લઈને વહેલી સવારે 4 વાગ્યા સુધી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન વરસાદની તીવ્રતા ખૂબ વધુ રહી શકે છે.

ગયા વખત કરતાં વધુ વરસાદની શક્યતા

મનપા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ચેતવણી આપી છે કે આ વખતે વરસાદની તીવ્રતા અગાઉ નોંધાયેલા ભારે વરસાદ કરતાં પણ વધુ હોઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ અને ટ્રાફિક પ્રભાવિત થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આગોતરા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટને વહેલા બંધ રાખવા અપીલ

સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને મનપાએ વેપારીઓને પણ અપીલ કરી છે કે કર્મચારીઓ સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે તે માટે બજારો અને વેપારી સંસ્થાઓ સામાન્ય સમય કરતાં વહેલી બંધ રાખવામાં આવે. મોટી સંખ્યામાં કામદારો મોડી રાત્રે ઘરે પરત ફરતા હોવાથી તેમની સુરક્ષા માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

રાહત અને બચાવ ટીમો સ્ટેન્ડબાય

ભારે વરસાદની આગાહીને પગલે ફાયર વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, NDRF, SDRF અને મનપાની ઇમરજન્સી ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. શહેરના સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી શકાય તે માટે જરૂરી સાધનો અને મશીનરી પણ તૈયાર રાખવામાં આવી છે.

આ પણ વાંચો: મોઢા પર રૂપિયા અને હાથમાં ડમરુ! : રાજકોટમાં પેપર લીક સામે વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ

નાગરિકોને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ

મનપાએ નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા જણાવ્યું છે. ગાજવીજ દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અને કોઈપણ કટોકટી સર્જાય તો તરત જ ફાયર કંટ્રોલ રૂમ અથવા મનપાના ઇમરજન્સી નંબર પર સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. આગામી કલાકો દરમિયાન તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now