Home Gujarat Ahmedabad Bavla Paper Leak Protest Students Demonstration

બાવળામાં પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા દમનના વિરોધમાં ધરણા : કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ

બાવળા ચાર રસ્તા ખાતે પેપર લીકના વિરોધમાં ધરણા અને સૂત્રોચ્ચાર કરતા પ્રદર્શનકારીઓ.
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 22, 2026, 02:40 PM IST

બાવળા: દેશભરમાં પેપર લીકની વારંવાર સામે આવી રહેલી ઘટનાઓ અને દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા કથિત દમનના વિરોધમાં બાવળા ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાવળાના ગ્રામજનો, યુવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિદ્યાર્થીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે જંતર-મંતર ખાતે છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને અનશન પર બેઠા હતા, પરંતુ તેમના પર કથિત રીતે બળપ્રયોગ અને દમનકારી કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને બાવળામાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.

પેપર લીકથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસરનો આક્ષેપ

પ્રદર્શન દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે દેશભરમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓને આવી ગેરરીતિઓના કારણે ભારે અન્યાય સહન કરવો પડી રહ્યો છે. તેમણે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને પેપર લીકના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ

વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ ઉઠાવી હતી. સાથે જ વિદ્યાર્થીઓના હિત માટે લડત ચલાવનાર યુવાનો સામે નોંધાયેલા કેસો પરત ખેંચવા અને દમનકારી કાર્યવાહી બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો

બાવળા ચાર રસ્તા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન પોલીસનો જરૂરી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હકો અને પારદર્શક પરીક્ષા વ્યવસ્થા માટે તેમની લડત આગામી સમયમાં પણ લોકશાહી ઢબે ચાલુ રહેશે.

આ પણ વાંચો: ત્યારે પેપર લીક સામે લાઠી ખાધી, આજે શિક્ષણમંત્રી તરીકે રાજીનામાની માંગ : ધર્મેન્દ્ર પ્રધાનની 1997ની ઘટના ફરી ચર્ચામાં!!

વિદ્યાર્થીઓના હિતમાં પારદર્શક પરીક્ષા વ્યવસ્થાની માંગ

પ્રદર્શનના અંતે ઉપસ્થિત લોકોએ સરકારને પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે અસરકારક પગલાં ભરવાની અપીલ કરી હતી. સાથે જ પેપર લીક જેવી ઘટનાઓને કાયમી રીતે અટકાવવા કડક કાયદાનો અમલ, જવાબદારો સામે ઝડપી કાર્યવાહી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now