રાજકોટ: દેશભરમાં વારંવાર સામે આવી રહેલા પેપર લીકના બનાવો અને શિક્ષણ ક્ષેત્રમાં વધી રહેલા ભ્રષ્ટાચારના વિરોધમાં રાજકોટના બહુમાળી ચોક ખાતે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં એકત્ર થયેલા વિદ્યાર્થીઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની અને પેપર લીકના કેસોમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન એક યુવકે અનોખી રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેણે મોઢા પર પટ્ટી બાંધી, મોઢા પર રૂપિયાની નોટો ચોંટાડીને અને હાથમાં ડમરુ વગાડીને શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. આ અનોખું પ્રદર્શન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
'અમે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી'
વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ સ્પષ્ટ જણાવ્યું કે તેમનું આંદોલન કોઈ રાજકીય પક્ષના સમર્થનમાં નથી. તેઓ માત્ર પોતાના હક, શિક્ષણના અધિકાર (Right to Education) અને ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે વર્ષો સુધી દિવસ-રાત મહેનત કરીને પરીક્ષાની તૈયારી કર્યા બાદ પેપર લીક જેવી ઘટનાઓ તેમની મહેનત અને સપનાઓ પર પાણી ફેરવી દે છે.
દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ
વિદ્યાર્થીઓએ સરકાર સમક્ષ માંગ કરી હતી કે પેપર લીક માટે જવાબદાર લોકો સામે ઝડપી અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે મજબૂત વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ
પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ જણાવ્યું કે માત્ર એકાદ ઘટનાની કાર્યવાહીથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારા, ભરતી અને પરીક્ષા પ્રક્રિયામાં ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ તેમજ ભ્રષ્ટાચાર પર કડક અંકુશ જરૂરી છે. વિદ્યાર્થીઓએ સરકારને યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરવાની અપીલ પણ કરી હતી.
આ પણ વાંચો: વાવ-થરાદ જિલ્લાના નાગરિકો માટે મોટો નિર્ણય : GJ-40 બનશે નવી વાહન ઓળખ, થરાદમાં નવી RTO કચેરી શરૂ
યુવાનોમાં વધતો અસંતોષ
વારંવાર પેપર લીકની ઘટનાઓને કારણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોમાં અસંતોષ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આવી ઘટનાઓ માત્ર પરીક્ષા જ નહીં પરંતુ લાખો ઉમેદવારોના આત્મવિશ્વાસ અને કારકિર્દીને પણ અસર કરે છે. તેથી સરકારે વિશ્વસનીય અને નિષ્પક્ષ પરીક્ષા વ્યવસ્થા ઉભી કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.






