Bhavnagar Congress: ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દિલ્હીમાં નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ભાજપ કાર્યાલય ખાતે 'હલ્લાબોલ' કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને પગલે પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું અને ભાજપ કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમ છતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય સુધી પહોંચી વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરતા સ્થળ પર ભારે હોબાળો મચ્યો હતો. બાદમાં પોલીસે કોંગ્રેસના આગેવાનો સહિત અનેક કાર્યકર્તાઓને ડિટેઇન કરી પોલીસ મથકે ખસેડ્યા હતા.
વાવ-થરાદ જિલ્લાના નાગરિકો માટે મોટો નિર્ણય : GJ-40 બનશે નવી વાહન ઓળખ, થરાદમાં નવી RTO કચેરી શરૂ
ભાજપ કાર્યાલય ખાતે હલ્લાબોલ કાર્યક્રમની જાહેરાત
તાજેતરમાં નીટ પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આંદોલન બાદ વિદ્યાર્થીઓ સંસદ ભવન તરફ આગળ વધતા પોલીસે તેમને રોક્યા હતા અને પરિસ્થિતિ ઉગ્ર બનતા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ ભાજપ કાર્યાલય ખાતે હલ્લાબોલ કાર્યક્રમની જાહેરાત કરી હતી.
ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી
કાર્યક્રમને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર પહેલેથી જ એલર્ટ બન્યું હતું. ભાજપ કાર્યાલયની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. છતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ વિવિધ દિશાઓમાંથી અચાનક ભાજપ કાર્યાલય નજીક પહોંચી ગયા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી અને ભાજપ કાર્યાલય બહાર પૂતળા દહન કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે થયેલા આ વિરોધ પ્રદર્શનથી થોડા સમય માટે સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પૂતળા દહન અને વિરોધ પ્રદર્શન બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓને ડિટેઇન કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ભાજપ કાર્યાલય આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો હતો.





