સુરત ખાતેથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને અમદાવાદ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. પાપ્ત વિગતો મુજબ મધદરિયે પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેના પગલે પાઈલોટે સમયસૂચકતા દાખવીને તાત્કાલિક પ્લેનને ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડિગ કર્યું હતું.
વિમાનનું સઘન ચેકિંગ હાથ ધરાયું
અત્રે જણાવીએ કે, અમદાવાદ એરપોર્ટ પર ટેક્નિકલ સ્ટાફ દ્વારા વિમાનનું સઘન ચેકિંગ અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પ્લેન અંદર સવાર મુસાફરોને સમગ્ર બાબતે જાણ થતાં તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
વિમાન 150થી વધુ મુસાફરો સાથે ટેક-ઓફ થયો હતો
ઇન્ડિગોની ફ્લાઇટ નંબર 6E-1507 જેણે સુરતએરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જે દુબઈ જવા માટે 150થી વધુ મુસાફરો સાથે ટેક-ઓફ થયો હતો. અત્રે જણાવીએ કે, વિમાન જ્યારે મધદરિયે પહોંચ્યું અને વિમાનના એન્જિનના પર્ફોર્મન્સમાં ખામી સર્જાઈ હોવાની પાઈલટને જાણ થતાં પાઇલટને તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક સાંધીને પ્લેનને નજીકના એરપોર્ટ પર ડાઇવર્ટ કરવાની મંજૂરી મેળવી હતી. જે બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લીધો હતો.






