Home Gujarat Surat Crime News Daughter Candle March Held To Pay Tribute

સુરતની દીકરીને શ્રદ્ધાંજલિ આપવા યોજાઈ કેન્ડલ માર્ચ : હજારોની સંખ્યામાં લોકો જોડાયા, જાણો સમગ્ર કેસ

સુરતની દીકરીને શ્રદ્ધાંજલિ આપવા યોજાઈ કેન્ડલ માર્ચ
Published by: OBS Bureau
Last Updated: Jul 17, 2025, 07:34 AM IST

સુરતમાં કતારગામના સિંગણપોર વિસ્તારમાં 19 વર્ષીય નેનુ રણજીતભાઈ વાવડીયા નામની યુવતીએ 13 જુલાઈના રોજ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. ત્યારે કતારગામ વિસ્તારમાંથી ડભોલી ચાર રસ્તાથી અંકુર ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


કતારગામમાં કેન્ડલ માર્ચ યોજાઈ

પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને AAPના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. જે કેન્ડલ માર્ચ દ્વારા નેનુને શ્રદ્ધાંજલિ અર્પી કોઈપણ સમાજની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય ન થાય જેનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.


ડિપ્રેશન અને બ્લેકમેલના કારણે જીવન ટૂંકાવ્યું!

મૃતક નેનુના પિતાના જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનાથી એક યુવક તદન અસામાજિક વ્યવહાર કરીને નેનુને હેરાન કરી રહ્યો હતો. નેનુની માનસિક સ્થિતિ પર તેની સીધી અસર પડી હતી. નેનુનાં પિતાએ આરોપી યુવકના પિતાને પણ આ બાબતે જાણકારી આપી હતી, છતાં પણ યુવક દ્વારા યુવતી પર વિવિધ પ્રકારે ત્રાસ જારી રહ્યો. છેલ્લાં બે દિવસથી નેનુ ગંભીર ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી અને અંતે તેણે ગળેફાંસો ખાઈને જીવનલીલા ટૂંકાવી દઈ પરિજયોને કાળી ઘડીમાં ધકેલી દીધાં. અસામાજિક તત્વોના ત્રાસથી 19 વર્ષીય ટ્યુશન શિક્ષિકાના આપઘાતના બનાવે રાજ્યભરના પાટીદાર સમાજમાં રોષની લાગણી ભભૂકી રહી છે.


આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરતની સિંગણપોર પોલીસે તત્કાલ કાર્યવાહી હાથ ધરતાં આરોપી પિતા અને પુત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. હાલ બંને આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આરોપીઓએ યુવતીને બ્લેકમેલ કરીને તેને અસહાય સ્થિતિમાં ધકેલ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now