ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-સુરત દ્વારા નવનિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ એટલે કે પ્રથમ માળે ભારે વાહનો અવરજવર કરી શકે તેવા અદ્યતન માર્કેટયાર્ડનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
સાથોસાથ સુરત એ.પી.એમ.સી. માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે નિર્માણ પામેલા આ અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકો માટે વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર, બિયારણ વિતરણ કેન્દ્રનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. 
ભારે વાહનો અને મોટી ટ્રકોની સરળ અવરજવર, એન્ટ્રી તથા એક્ઝિટના સુવ્યવસ્થિત આયોજનના કારણે ભવિષ્યમાં વર્ષો સુધી અવ્યવસ્થા ઊભી ન થાય એ પ્રકારના એલિવેટેડ સ્ટ્રક્ચરના નિર્માણ બદલ એપીએમસીને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સુરત એપીએમસીએ વર્ષ 1951 માં માત્ર 15 હજાર રૂપિયાની આવક સાથે કરેલી શરૂઆત આજે સહકારિતાના વટવૃક્ષમાં પરિવર્તિત થઈ છે.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. વડાપ્રધાનના વડપણ હેઠળ 'સહકારથી સમૃદ્ધિ'ના મંત્ર સાથે દેશમાં અલાયદા સહકાર મંત્રાલયની રચના કરીને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતો અને પશુપાલકોની આવક તેમજ જીવનસ્તર સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરીને વધુ વ્યાપક અને ગુણવત્તાસભર બનાવી શકાય છે.
સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ અને પારદર્શક વ્યવસ્થા, અહીં કૃષિ જણસોના વેચાણ માટે આવતા ખેડૂતોને આર.ટી.જી.એસ મારફતે ઓનલાઈન ચુકવણી જેવી સુવિધાઓ માટે અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ આ સુવિધાના પરિણામે મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો અહીં પોતાની કૃષિ પેદાશો વેચવા માટે આકર્ષાયા છે તેની પણ સરાહના કરી હતી. 
રોજબરોજ 12 થી 15 હજાર લોકોની અવરજવર સાથે આ માર્કેટ યાર્ડ છેલ્લા બે વર્ષથી આવકની દૃષ્ટિએ ગુજરાતમાં પ્રથમ ક્રમે છે અને રાજ્યના અર્થતંત્રને મજબૂતી આપવામાં સિંહફાળો આપી રહ્યું છે એમ ગર્વથી તેમણે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર 'સહકારથી સમૃદ્ધિ' ના મંત્ર સાથે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કૃષિમાં વેલ્યુ એડિશન પર તેજ ગતિથી આગળ વધી રહી છે એમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકારે એગ્રો અને ફ્રુટ પ્રોસેસિંગ ચેઈન ઉભી કરીને કેરી, ચીકુ, શાકભાજી, લસણ વગેરે માટે સ્પેશિયલ એગ્રી એક્સપોર્ટ ઝોન પણ વિકસાવ્યા છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેતીમાં ઉત્પાદન, સસ્ટેનેબિલિટી અને બજારની ઉપલબ્ધતા વધી રહી છે. કિસાન ઈ-મિત્ર જેવી એઆઈ આધારિત સેવાઓ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે સરળ માહિતી મળી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.
તાજેતરમાં કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કરેલ દસ હજાર કરોડનું માતબર કૃષિ સહાય પેકેજ ખેડૂતોને આફતમાંથી બેઠા થવામાં ખૂબ ઉપયોગી નીવડ્યું છે એમ ઉમેર્યું હતું. 
પીએમ કિસાન સન્માન નિધિ, પીએમ કિસાન માનધન, પર ડ્રોપ મોર ક્રોપ, નેશનલ બામ્બૂ મિશન, નમો ડ્રોન દીદી સહિત લગભગ 28 થી વધુ યોજનાઓ-અભિયાનો દ્વારા ખેતી અને ખેડૂત વિકાસને નવી દિશા આપવામાં આવી છે એનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જે જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોની આવકમાં વધારો અને રોજગારીના નવા અવસર ઊભા થયા છે. સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા સૌને આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને નવી સુવિધાઓ, આધુનિક વ્યવસ્થાઓ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળે અને તેમની આવક વધે તે હેતુથી રાજ્ય સરકાર અને સહકારી ક્ષેત્ર દ્વારા સતત પ્રયાસ થઈ રહ્યા છે. જેનું જીવંત ઉદાહરણ સુરતની એપીએમસી માર્કેટ છે. આ માર્કેટમાં આધુનિકતાની સાથે ખેડૂતલક્ષી સુવિધાઓ વ્યવસ્થાઓ ઊભી કરવા બદલ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. 
રાજ્યનું સૌથી વધુ કમાણી કરતું યાર્ડ સુરત એપીએમસી માર્કેટ યાર્ડ છે, જે સહકારની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. આ કમાણી કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની નહીં, પરંતુ સમગ્ર સહકારી વ્યવસ્થા અને ખેડૂતોની છે એમ જણાવી કૃષિમંત્રીએ ભૂતકાળની વિકટ સ્થિતિ યાદ કરાવતા કહ્યું કે, અગાઉની સરકારોના કાર્યકાળમાં રાજ્યની માર્કેટ યાર્ડોમાં યોગ્ય શેડ, વરસાદ કે મોસમી પરિસ્થિતિમાં કૃષિ ઉત્પાદનો રાખવાની વ્યવસ્થા ન હતી, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, આજે માર્કેટ યાર્ડોની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ખેડૂતોને સગવડ, સલામતી અને કૃષિ પેદાશોનું યોગ્ય વળતર મળે તેવી પારદર્શક અને આધુનિક વ્યવસ્થા વિકસાવવામાં આવી છે.
સ્વાગત ઉદ્દબોધન કરતા ધારાસભ્ય અને સુરત એ.પી.એમ.સી.ના ચેરમેન સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત એ.પી.એમ.સી.માં દેશના 15 રાજ્યોમાંથી ખેડૂતો, બાગાયતદારો શાકભાજી, ફળો જેવા પોતાના ઉત્પાદનો વેચવા આવે છે. અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ યાર્ડમાં 100 ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે, જેથી ટેમ્પો, ટ્રક સીધા પહેલા માળે દુકાનોની સામે જ જઈ શકશે. આ સુવિધાથી કૃષિ પેદાશોને લાવવા-લઇ જવામાં સમય બચશે અને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે, તેમજ કૃષિ જણસો વેપારીઓની દુકાનો પર સીધી જ ઉતારી શકાશે.
એલિવેટેડ માર્કેટ યાર્ડ માટે કેન્દ્ર સરકારે રૂ.19 કરોડની સબસિડી આપી છે એમ જણાવી દેસાઈએ કહ્યું કે, માર્કેટમાં પ્રથમ માળે હાઈટેક 108 દુકાનો ઉપલબ્ધ છે, જેમાં વિશાળ સ્ટોરરૂમ, માર્કેટમાં પ્રથમ માળ સુધી ખેડૂતો, વેપારીઓ વાહન લઈ જઈ શકે તેના માટે ટુ વે રેમ્પ, માલ સામાન લઈ જવાની લિફ્ટ, પેસેન્જર લિફ્ટ, RCC રોડ, પ્રથમ માળે 200 કાર અને 4000 ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવો પાર્કિંગ એરિયા, માર્કેડયાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ તથા શ્રમિકોને વિનામૂલ્યે પ્રાથમિક સારવાર કેન્દ્ર, ખેડૂત મિત્રો માટે બિયારણ વિતરણ કેન્દ્ર જેવી સુવિધા ખેડૂતો અને વેન્ડર્સ માટે ઉભી કરવામાં આવી છે.






