Home Gujarat Surat 4 Month Old Girl Abduction Case Solved Within 24 Hours

24 કલાકમાં 4 મહિનાની બાળકીનું રેસ્ક્યુ : 1500 CCTV ફૂટેજ તપાસી આરોપી દંપતીની ધરપકડ

24 કલાકમાં 4 મહિનાની બાળકીનું રેસ્ક્યુ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 12:43 PM IST

સુરત શહેરમાં ચાર માસની નિર્દોષ બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, સુરત પોલીસની ઝડપી અને સંયુક્ત કામગીરીના કારણે માત્ર 24 કલાકની અંદર જ બાળકી સલામત મળી આવી છે અને અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સુરતના નાનપુરા વિસ્તારમાંથી ચાર માસની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બનાવ સામે આવતા જ પોલીસ તંત્ર એલર્ટ બની ગયું હતું. અઠવા પોલીસ અને બારડોલી રેલવે પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને મોટા પાયે તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા આશરે 1500 જેટલા CCTV કેમેરાની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત 150 જેટલા પોલીસ જવાનોને તપાસમાં લગાવવામાં આવ્યા હતા. સતત 24 કલાક સુધી ચાલી રહેલી તીવ્ર તપાસ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી હતી.

તપાસ દરમિયાન નંદુરબાર જિલ્લાના રહેવાસી મીના સુનિલ વસાવા અને તેના પતિ સુનિલ રતિલાલ વસાવા દ્વારા બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી બાળકી સલામત રીતે મુક્ત કરાવી હતી.

પોલીસે બાળકીનો કબજો તેના માતા-પિતાને સોંપતા પરિવારજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. બાળકીને કોઈ ઇજા પહોંચ્યા વગર સલામત રીતે પરત લાવવામાં આવતા લોકો પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.

હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. નંદુરબારના આ દંપતીએ બાળકીનું અપહરણ કયા કારણોસર કર્યું હતું તે મુદ્દે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now