સુપ્રીમ કોર્ટે ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓને લઈ એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો. એક કેસમાં સુનાવણી દરમિયાન નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો કોઈ કર્મચારીનું કામ પર જતી વખતે કે ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય છે, તો તેના પરિવારને કર્મચારી વળતર (EC) અધિનિયમ 1923 હેઠળ વળતર મળવાનો હક રહેશે. જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કામ પર આવતી વખતે અકસ્માતનો ભોગ બનેલા ચોકીદારના મૃત્યુ સંબંધિત કેસમાં આ ચુકાદો આપ્યો છે. જે કેસમાં કામ પર આવતી વખતે ઓફિસથી 5 કિલોમીટર દૂર ચોકીદારનો અકસ્માત થયો હતો. વર્કમેન વળતરે ચોકીદારના પરિવારની તરફેણમાં નિર્ણય આપ્યો હતો અને વળતરનો આદેશ આપ્યો હતો. જોકે હાઈકોર્ટે આ નિર્ણયને ઉલટાવી દીધો હતો અને કહ્યું હતું કે અકસ્માતને 'કામ દરમિયાન' ગણી શકાય નહીં. હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
આખો મામલો શું હતો?
22 એપ્રિલ 2003ના રોજ ખાંડ ફેક્ટરીમાં ચોકીદાર તરીકે કામ કરતા શાહુ સંપત રાવ જાધવરનું મૃત્યુ થયું હતું. તેઓ સવારે 3 થી 11 વાગ્યા સુધી ફેક્ટરીમાં કામ કરતા હતા. એપ્રિલ 2003 માં જ્યારે શાહુ સંપત રાવ ફેક્ટરીમાં જઈ રહ્યા હતા, ત્યારે તેમના 5 કિમી પહેલા અકસ્માત થયો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું. વર્કમેન કમિશ્નર ઓફ વર્કમેન કમ્પેન્સેશને વળતરનો આદેશ આપ્યો હતો. તેમણે સંપત રાવના પરિવારને 3,26,140 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તેમણે એવો પણ આદેશ આપ્યો હતો કે ફેક્ટરી આ વળતર 12 ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવે. વિમા કંપનીએ 2011માં આ નિર્ણય સામે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાઈકોર્ટે આ નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ અકસ્માત કાર્યસ્થળ પર થયો નથી, તેથી તેને 'કામ દરમિયાન અકસ્માત' ગણી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો?
29 જુલાઈના રોજ જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે સંપત રાવના પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ઘરેથી કાર્યસ્થળ અને કાર્યસ્થળથી ઘરે મુસાફરી કરતી વખતે અને તેના રોજગાર દરમિયાન ઉદ્ભવતા અકસ્માતને પણ EC કાયદાની કલમ 3 હેઠળ 'કામ દરમિયાન અને તેના રોજગાર દરમિયાન ઉદ્ભવતા અકસ્માત' ગણવામાં આવશે.
કોર્ટે ચુકાદો આપતા શું કહ્યું હતું?
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, 'EC કાયદાની કલમ 3 માં 'કામ દરમિયાન અને તેના રોજગાર દરમિયાન ઉદ્ભવતા અકસ્માત' નો અર્થ એવો છે કે ઘરેથી કાર્યસ્થળ અને ફરજ પછી કાર્યસ્થળથી ઘરે મુસાફરી કરતી વખતે અને તેના રોજગાર દરમિયાન ઉદ્ભવતા અકસ્માતનો પણ સમાવેશ થાય છે, જો કે અકસ્માત કામ સાથે સંબંધિત હોય તો' સુપ્રીમ કોર્ટે વીમા કંપનીની દલીલને ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્મચારીનું મૃત્યુ રસ્તામાં થયું હતું, તેથી વળતર આપી શકાતું નથી.

_5753697d-8ed4-4b48-828c-a7d87d97a9f2.jpg)




