Home Gujarat Supreme Court Justice Suryakant And Cm Laid Foundation Stone Of A State Of The Art Arbitration Centre New Doors Open Speedy Resolution

ગ્લોબલ આર્બિટ્રેશન હબ બનશે ગુજરાત : હાઇકોર્ટમાં અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ, વિવાદોના ઝડપી નિરાકરણ માટે ખુલશે નવા દ્વાર

ગ્લોબલ આર્બિટ્રેશન હબ બનશે ગુજરાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 02:34 PM IST

ગુજરાતના ન્યાયિક માળખાને વધુ આધુનિક અને વેગવંતુ બનાવવાના ઉમદા હેતુ સાથે ગુજરાત હાઇકોર્ટ ખાતે એક ઐતિહાસિક કાર્યક્રમ સંપન્ન થયો હતો. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં હાઇકોર્ટના નવા 'સ્ટેટ-ઓફ-ધ-આર્ટ' આર્બિટ્રેશન સેન્ટરના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ સેન્ટરના નવા લોગો, રિ-ડિઝાઇન કરાયેલી વેબસાઇટ અને ન્યૂઝલેટરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ નવું ભવન આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓથી સજ્જ હશે, જે વિવાદોના ઝડપી અને તટસ્થ નિરાકરણ માટે પાયારૂપ સાબિત થશે.

આર્બિટ્રેશન સેન્ટર: ભારતની ન્યાયિક વ્યવસ્થાને મળશે નવી તાકાત

મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંતે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ભૌતિક માળખું (Infrastructure) એ માત્ર મકાન નથી, પરંતુ તે સંસ્થાની ગંભીરતા અને વિશ્વસનીયતાનો સંકેત છે. જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય રોકાણકાર આ આધુનિક સેન્ટરમાં પ્રવેશ કરશે, ત્યારે તેમને ભારતીય ન્યાયતંત્ર પર વધુ વિશ્વાસ બેસશે. ગુજરાત ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર હોવાથી વિદેશી રોકાણકારો માટે પરંપરાગત કાયદાકીય પ્રક્રિયા કરતા સંસ્થાકીય આર્બિટ્રેશન (Institutional Arbitration) વધુ અસરકારક સાબિત થશે. તેમણે આર્બિટ્રેટર્સની ગુણવત્તા અને તાલીમ પર પણ ભાર મૂક્યો હતો.

વિકસિત ગુજરાત-વિકસિત ભારત માટે 'સૌને ન્યાય, સમયસર ન્યાય'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને ‘ગ્લોબલ આર્બિટ્રેશન હબ’ બનાવવાની દિશામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી રહ્યું છે. તેમણે મહાત્મા ગાંધીજીના ઉદાહરણ સાથે ઉમેર્યું કે, વકીલનું સાચું કાર્ય બે વિભાજિત પક્ષોને જોડવાનું છે અને આર્બિટ્રેશન સિસ્ટમ તે જ સિદ્ધાંત પર કાર્ય કરે છે. રાજ્ય સરકારે ન્યાયિક માળખાને મજબૂત કરવા બજેટમાં રૂ. 2700 કરોડની જોગવાઈ કરી છે, જે ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને વધુ મજબૂત બનાવશે.

બે દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ

આ પ્રસંગે ‘ઇન્સ્ટિટ્યુશનલ આર્બિટ્રેશન એટ અ ક્રોસરોડ્સ: ચેલેન્જીસ એન્ડ ધ વે ફોરવર્ડ’ વિષયક મહત્વપૂર્ણ કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં નવા સેન્ટરની જરૂરિયાત અને ભાવિ આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી.

ન્યાયિક મહાનુભાવોની પ્રોત્સાહક ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ અરવિંદ કુમાર, જસ્ટિસ એન.વી. અંજારિયા, જસ્ટિસ વિપુલ પંચોલી તથા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને હાઇકોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓએ પણ હાજરી આપી હતી. આર્બિટ્રેશન સેન્ટરની નવી વેબસાઈટ અને ડિજિટલ ન્યૂઝલેટર વિવાદ નિવારણ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now