અમદાવાદ: ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાતમાં સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલી નવીનતમ આગાહી મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીનો પારો વધશે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં 'યલો એલર્ટ' સાથે હિટવેવની (Heatwave) આગાહી કરવામાં આવી છે, જેના કારણે રહેવાસીઓને બપોરના સમયે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જોકે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ તાપમાનમાં વધારો થવાની પૂરી સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિતના શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજયુક્ત ગરમીનો પ્રકોપ
માત્ર કચ્છ જ નહીં, પરંતુ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. આ પ્રકારના 'હોટ એન્ડ હ્યુમિડ' (Hot and Humid) કન્ડિશનને કારણે લોકોને ભારે અકળામણ અને અસ્વસ્થતા (Discomfort) અનુભવાઈ શકે છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાને કારણે લૂ લાગવાના કિસ્સા પણ વધી શકે છે.
આ પણ વાંચો: સુરતના બિલ્ડરો પર GujRERAનો અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો : 'નાણાકીય ગેરરીતિ' બદલ બિલ્ડરને 2 કરોડનો દંડ
માછીમારો માટે ચેતવણી: 15 એપ્રિલ સુધી દરિયો ન ખેડવા આદેશ
હવામાનની આ વિપરીત સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારો માટે પણ વિશેષ સૂચના જારી કરવામાં આવી છે. 13 થી 15 એપ્રિલ દરમિયાન દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. દરિયામાં 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ક્યારેક પવનની ગતિ ૬૫ કિમી સુધી પહોંચવાની વકી છે.
તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર
છેલ્લા 24 કલાકમાં રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યાં તાપમાન 41.7 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર, કંડલા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ૪૦ ડિગ્રીની ઉપર રહ્યું છે. અમદાવાદમાં આગામી દિવસોમાં આકાશ ચોખ્ખું રહેશે અને ગરમી હજુ વધવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યાનુસાર, દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા રાજસ્થાન ઉપર દરિયાઈ સપાટીથી અંદાજે 1.5 કિમીની ઊંચાઈ પર એક 'અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન' સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 24 કલાક માટે કચ્છ જિલ્લામાં 'યલો એલર્ટ' સાથે હિટવેવની (લૂ) આગાહી કરવામાં આવી છે. કચ્છના એકા-દુક્કા વિસ્તારોમાં ગંભીર ગરમીનો અનુભવ થશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં (Coastal areas) મહત્તમ તાપમાન અને ભેજનું પ્રમાણ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. આને કારણે લોકોને 'હોટ એન્ડ હ્યુમિડ' સ્થિતિ એટલે કે અકળાવનારી ગરમી અને અસ્વસ્થતા (Discomfort) અનુભવાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન પશ્ચિમ થી ઉત્તર-પશ્ચિમ દિશાના ફૂંકાશે. 13, 14 અને 15 એપ્રિલ દરમિયાન દરિયામાં 45 થી 55 કિમી અને વધુમાં વધુ 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.





