Home Gujarat Subhash Bridge To Be Demolished In Ahmedabad

અમદાવાદમાં સુભાષબ્રિજ તોડી પડાશે : બ્રિજની બાજુમાં 2 નવી લેન બનશે, લેવાયો આખરી નિર્ણય

અમદાવાદમાં સુભાષબ્રિજ તોડી પડાશે
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2025, 11:23 AM IST

Ahmedabad Subhash Bridge : અમદાવાદ માટે મહત્વપૂર્ણ અને વ્યસ્ત ગણાતા સુભાષબ્રિજ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો સુભાષબ્રિજ હવે પોતાના આયુષ્યના અંતે પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. જેના પગલે હાલના બ્રિજના સુપરસ્ટ્રક્ચરને સંપૂર્ણ રીતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુભાષબ્રિજ તોડી પડાશે!

ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બર, 2025ના રોજ સુભાષબ્રિજમાં તિરાડ પડ્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાત એજન્સીઓ પાસે વિગતવાર તપાસ કરાવવામાં આવી હતી. નિષ્ણાતોએ તૈયાર કરેલો રિપોર્ટ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો હતો, જેમાં બ્રિજનું સુપરસ્ટ્રક્ચર અસુરક્ષિત હોવાનું સ્પષ્ટ થયું હતું.

બંને બાજુ બે-બે નવી લેન બનાવવાનો નિર્ણય

આ રિપોર્ટના આધારે આજે સુભાષબ્રિજના સુપરસ્ટ્રક્ચરને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બ્રિજના તમામ સુપરસ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાથી સંપૂર્ણ ડિમોલિશન કરવામાં આવશે. હાલનો બ્રિજ દૂર કર્યા બાદ નવી યોજના મુજબ બ્રિજની આજુબાજુ બન્ને બાજુ બે-બે નવી લેન બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે.

બ્રિજના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે

આ સાથે નવા બ્રિજના નિર્માણ માટે આગામી સોમવારે ટેન્ડર બહાર પાડવામાં આવશે. રાજ્ય સરકારની મદદ લેવામાં આવી છે અને સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે નવો બ્રિજ માત્ર વાહન વ્યવહાર માટે નહીં પરંતુ શહેરની ઓળખ બને તેવો આઇકોનિક બ્રિજ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. સુભાષબ્રિજ અમદાવાદ માટે મહત્વનો લાઈફલાઈન સમાન હોવાથી આ કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને લઈને ખાસ આયોજન કરવામાં આવશે. હાલના બ્રિજના સુપરસ્ટ્રક્ચર તોડવાની કાર્યવાહી શરૂ થતાં શહેરવાસીઓની નજર હવે નવા અને આધુનિક બ્રિજના નિર્માણ તરફ મંડાયેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now