Home Gujarat Suacide Attempt In Surat Civil Hospitals Covid Building

સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં આપઘાતનો પ્રયત્ન : ફાયર ટીમે 7 મા માળેથી મહિલાનું કર્યું સફળ રેસ્ક્યુ

સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં આપઘાતનો પ્રયત્ન
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2026, 11:31 AM IST

સુરત હોસ્પિટલના કોવિડ સિવિલ બિલ્ડિંગમાં આજે ચકચાર મચાવતી ઘટના સામે આવી હતી. બાળકને જન્મ આપ્યા બાદ આઘાતમાં આવેલી એક 30 વર્ષીય મહિલાએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા કોવિડ બિલ્ડિંગના સાતમા માળે લિફ્ટના કામ માટે લગાવવામાં આવેલા બાંધકામના વાંસ પર ચઢી ગઈ હતી, જેને જોઈ હોસ્પિટલમાં અફરાતફરી સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, મહિલાએ થોડા સમય પહેલાં જ બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ તેને પેટીમાં રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાથી મહિલા માનસિક આઘાતમાં આવી ગઈ હતી. આઘાતની સ્થિતિમાં તેણે સાતમા માળેથી કૂદવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં લિફ્ટના કામને કારણે વાંસ બાંધવામાં આવ્યા હોવાથી મહિલા તેના પર પહોંચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ મજુરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર અભિષેક ગઢવી સહિતની ટીમે ભારે જહેમત બાદ મહિલાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ફાયર કર્મચારીઓએ પહેલા મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે માનસિક સ્થિતિમાં ન હોવાથી કોઈ વાત સમજતી ન હતી.

બાંધકામના વાંસ પર હોવાથી મહિલા સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. મહિલા ડરીને વાંસ પર આમતેમ ભાગી રહી હતી, જેથી જોખમ વધુ વધી ગયું હતું. અંતે ફાયર જવાનો એ ચારે બાજુથી ઘેરીને વ્યૂહરચના મુજબ મહિલાને ધીમે ધીમે પહેલા માળ સુધી સુરક્ષિત રીતે લાવી હતી.

સફળ રેસ્ક્યુ બાદ મહિલાને સહીસલામત રીતે બહાર કાઢી સુરત સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી અને તબીબી ટીમને સોંપવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી.

મહિલાનું જીવ બચતા પરિવારજનો, હોસ્પિટલ સ્ટાફ અને ત્યાં હાજર લોકો સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનાએ ફરી એકવાર હોસ્પિટલોમાં પ્રસૂતિ બાદ મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરિયાત ઉજાગર કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now