Home Gujarat Students Were Beaten Up After Breaking The Glass Of The Principals Car At A School In Wavol

વાવોલની શાળામાં આચાર્યની કારનો કાચ તૂટતા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો : 'શાળામાં કોઈને પણ બાળકોને મારવાનો હક્ક નથી', વાલીઓમાં ભારે રોષ

વાવોલની શાળામાં આચાર્યની કારનો કાચ તૂટતા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 09:59 AM IST

Vavol Primary School controversy : ગાંધીનગર જિલ્લાના વાવોલ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાએ ભારે વિવાદ ઊભો કર્યો છે. મળતી માહિતી મુજબ શાળામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ રિશેષ દરમિયાન શાળાના કેમ્પસમાં આવેલા લીમડાના ઝાડ પર ફસાયેલ પતંગ ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પતંગ ઝાડ પર ફસાયેલ હોવાથી બાળકોએ પથ્થર ફેંકવાનું શરૂ કર્યું હતું.

પ્રિન્સિપાલની ગાડીનો કાચ તૂટ્યો અને પીત્તો ગયો!

આ દરમિયાન ફેંકાયેલ એક પત્થર શાળાના પ્રિન્સિપાલની ગાડી પર પડ્યો હતો, જેના કારણે ગાડીનો કાચ તૂટી ગયો હતો. ગાડીનો કાચ તૂટતા પ્રિન્સિપાલ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે શાળામાં હાજર ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકોને માર મારવાની ઘટનાની જાણ થતાં જ વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો.

વાલીઓમાં શાળાના પ્રિન્સિપાલ સામે રોષ

આ ઘટના બાદ વાલીઓ બીજા દિવસે સવારે શાળાએ પહોંચ્યા હતા અને શાળામાં પ્રિન્સિપાલ સામે રજૂઆત કરી હતી. જોકે તે સમયે પ્રિન્સિપાલ શાળામાં હાજર ન હતા. જાણવા મળ્યું છે કે પ્રિન્સિપાલને હૃદયરોગની બીમારી હોવાથી તેમને સુકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલ તેઓ રજા પર છે. શનિવારે પણ વાલીઓ શાળાએ પહોંચ્યા હતા, પરંતુ પ્રિન્સિપાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તેમની હાજરી રહી નહોતી.

'શાળામાં કોઈને પણ બાળકોને મારવાનો હક્ક નથી'

વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે શાળામાં કોઈને પણ બાળકોને મારવાનો હક્ક નથી. વાલીઓનું કહેવું છે કે જો પ્રિન્સિપાલની ગાડીને નુકશાન થયું હોય તો શાળાએ અથવા વાલીઓને જાણ કરવામાં આવી હોત, તો વળતર ચૂકવવા તેઓ તૈયાર હતા. પરંતુ બાળકો પર હાથ ઉગામવો અયોગ્ય અને નિંદનીય છે. આ મામલે વાલીઓ દ્વારા પ્રિન્સિપાલ સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. ઘટનાએ શાળાની શિસ્ત, બાળકોની સુરક્ષા અને શિક્ષણ સંસ્થાઓની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now