સુરતના હજીરા વિસ્તારમાં આવેલ ArcelorMittal Nippon Steel India (AM/NS) ના SMP-3 પ્લાન્ટ ખાતે અચાનક હડતાલ અને હોબાળાની ઘટના સામે આવી છે. હરિયાણાના Panipat માં એક કર્મચારીના મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સુરત સ્થિત પ્લાન્ટમાં કામ કરતા મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ બેઝ શ્રમિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, શ્રમિકોએ અચાનક કામ બંધ કરી પ્લાન્ટ પર એકઠા થઈ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. પગાર વધારા, કામકાજની શરતો અને અન્ય પડતર પ્રશ્નોને લઈને તેઓએ જોરદાર નારા લગાવ્યા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે કેટલાક ઉશ્કેરાયેલા તત્વોએ પાર્કિંગ વિસ્તારમાં ઉભેલી કારમાં તોડફોડ પણ કરી. થોડા સમય માટે પ્લાન્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની ગંભીરતા જોતા હજીરા પોલીસ તંત્ર તરત જ હરકતમાં આવ્યું. ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ સાથે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા કડક બનાવાઈ છે. કંપનીના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા શ્રમિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો.
આ સમગ્ર મુદ્દે Larsen & Toubro (L&T) દ્વારા પણ જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે,કંપનીએ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા લેબર કોડનું નોટિફિકેશન જાહેર થશે ત્યારબાદ તે નિયમો તાત્કાલિક અમલમાં મુકવામાં આવશે.
હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું સૂત્રો જણાવે છે, પરંતુ પાણીપતની ઘટનાની અસર સુરત સુધી પહોંચી જતા ઔદ્યોગિક ક્ષેત્રમાં ચિંતા ફેલાઈ છે. આગામી દિવસોમાં સંવાદ અને સમાધાન દ્વારા ઉકેલ આવે છે કે નહીં તે પર સૌની નજર ટકી છે.




















