અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ ભારત સરકારએ એર ઇન્ડિયા અને તેના પેરેન્ટ ગ્રૂપ ટાટા સન્સ સામે સઘન વલણ અપનાવ્યું છે. શુક્રવારે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન સાથે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને DGCA વડા ફૈઝ કિદવાઈ સહિતના અધિકારીઓએ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતામાં વ્યક્ત કરી.
બે સ્પષ્ટ સંદેશાઓ:
બેકસીટ ડ્રાઇવિંગનો અંત: સરકારે સ્પષ્ટ કહ્યું કે એર ઇન્ડિયાના મુખ્ય વિભાગોમાંથી પડદા પાછળથી નિર્ણય લેવાની (બેકસીટ ડ્રાઇવિંગ) સંસ્કૃતિ તાત્કાલિક બંધ થવી જોઈએ. આ સંસ્કૃતિ સુરક્ષા માટે ગંભીર જોખમ છે.
નિર્ણયશક્તિ ધરાવનારા હોદ્દેદારો: દરેક મહત્વપૂર્ણ પદ પર રહેલા અધિકારીઓને સંપૂર્ણ નિર્ણયલક્ષી અધિકાર હોવો જોઈએ. સરકારનું કહેવું છે કે, "કોઈ બીજું પદ પર છે, પરંતુ નિર્ણય બીજું લઈ રહ્યું છે" – આ હાલત અત્યંત ખતરનાક છે.
મહત્વપૂર્ણ વિભાગોમાં આંતરિક ખામી
સુરક્ષા, તાલીમ, જાળવણી, એન્જિનિયરિંગ અને IOCC જેવા વિભાગોમાં ઉલટફેરની સ્થિતિ હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. સરકારના જણાવ્યા પ્રમાણે, આવા સંજોગોમાં સુરક્ષા સાથે સંકળાયેલા નિર્ણયો ખોરવાઈ શકે છે.
ત્રણ દિવસ ચાલેલી બેઠક, DGCAની કાર્યવાહી
12 જૂન, 2025ના AI-171 દુર્ઘટના બાદથી સતત મંત્રાલય અને એર ઇન્ડિયા મેનેજમેન્ટ વચ્ચે ત્રણ દિવસ સુધી બેઠક ચાલી હતી. પરિણામે DGCAએ ક્રૂ શેડ્યૂલિંગમાં રહેલા ત્રણ અધિકારીઓને દૂર કરવાનો આદેશ આપ્યો અને ચેતવણી આપી કે ભૂલો ચાલુ રહેશે તો લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી થઇ શકે છે.
‘ક્રેશ વિમાનોના સાધનો ઓફિસમાં નહિ રાખવા’ની સૂચના
દુર્ઘટનાને લઈને અધિકારીઓએ એક મહત્વપૂર્ણ સૂચના આપી કે ગુરુગ્રામ સ્થિત ઓફિસમાં ક્રેશ થયેલા વિમાનોના સીટ, ડેટા રેકોર્ડર અને સાધનોનું પ્રદર્શન ન કરવામાં આવે. તેમનો મત છે કે આમ કર્મચારીઓમાં મનોબળ ઘટે છે.
‘એર ઇન્ડિયા પાસે છે સુવર્ણ તક’
એક અધિકારીએ કહ્યું, “ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઇનસ જેવા ભાગીદારો સાથે એર ઇન્ડિયા પાસે ફરી ઉભી થવાની બહુમૂલ્ય તક છે. સરકાર સહયોગ આપવા તૈયાર છે, પરંતુ આંતરિક કામગીરીમાં ખામી દૂર કરવી જરૂરી છે.”





