આજે શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં નરમાશ જોવા મળી. BSE સેન્સેક્સ 70 પોઈન્ટ અથવા 0.08% ના ઘટાડા સાથે 82,190 પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી 13 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 25,099 પર બંધ રહ્યો. રોકાણકારો ભારત-અમેરિકા વચ્ચેના સંભવિત વેપાર સોદાને લઈને સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. Axis Bank, Wipro અને LTIMindtree સહિત કેટલીક મુખ્ય કંપનીઓના FY26ના પ્રથમ ત્રિમાસિક પરિણામોને ધ્યાનમાં રાખતાં રોકાણકારો સાવચેત જોવા મળ્યા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ નરમાશ રહી, જ્યાં નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.05% અને નિફ્ટી સ્મોલકેપ 0.02% ઘટ્યા.
વૈશ્વિક સ્તરે, વોલ સ્ટ્રીટમાં તેજી જોવા મળી હતી જ્યાં S&P 500, Dow Jones અને Nasdaq અનુક્રમે 0.54%, 0.52% અને 0.74% વધ્યા હતા. અમેરિકા માં જૂન મહિનાનું છૂટક વેચાણ 0.6% વધતાં બજારમાં આકર્ષણ વધ્યું હતું, સાથે જ બેરોજગારીના દાવાઓ પણ ઘટીને 2,21,000 થયા હતા. એશિયાઈ બજારોમાંથી મિશ્ર સંકેત મળ્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.69% વધીને નવા રેકોર્ડ પર પહોંચ્યો, જયારે જાપાનનો નિક્કી અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ક્રમશઃ 0.20% અને 0.40% ઘટ્યા હતા.





















